વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગળા અને હાથના ભાગે માર માર્યા બાદ ડાબા પગની જાંઘમાં ચપ્પુ માર્યું; જલાલપોર પોલીસે આરોપીને ઘરેથી ઝડપી પાડ્યો
નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને જલાલપોર પોલીસે ગણતરીના કલાકોમાં તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૯ ઓક્ટોબરના રોજ જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા પાસે આવેલી પતરાની ચાલ નજીક શિવનગરના ગેટ આગળ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી ગણેશ ઉર્ફે ધુધો વિજયભાઈ રાઠોડે ભોગ બનનાર વ્યક્તિને ગળાના ભાગે તથા ડાબા હાથના પંજામાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેના ડાબા પગની જાંઘના ભાગે ચપ્પુ મારી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે ભોગ બનનારની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જલાલપોર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપી ગણેશ ઉર્ફે ધુધો રાઠોડ (ઉંમર ૨૯ વર્ષ, રહે. ગૌરીશંકર મહોલ્લો, પતરાની ચાલ, જલાલપોર)ને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩) અને ૩૫૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રેસનોટમાં આરોપી વિરુદ્ધ અગાઉ દારૂબંધી, જાહેરનામા ભંગ અને એન.ડી.પી.એસ. સંબંધિત નોંધાયેલા ગુનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) તથા નવસારી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ અને તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી.










