અરવલ્લી – પ્રેમ સંબંધના મામલે બે પરિવારો વચ્ચે ઘર્ષણ, ભિલોડા નજીક મારામારી –  16 લોકો વિરુદ્ધ સામસામે નોંધાઈ ફરિયાદ, પરિવારનું અપહરણ કર્યા  હોવાના આક્ષેપો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – પ્રેમ સંબંધના મામલે બે પરિવારો વચ્ચે ઘર્ષણ, ભિલોડા નજીક મારામારી –  16 લોકો વિરુદ્ધ સામસામે નોંધાઈ ફરિયાદ, પરિવારનું અપહરણ કર્યા  હોવાના આક્ષેપો

 

અરવલ્લી/સાબરકાંઠા : યુવક-યુવતી પ્રેમસંબંધના કારણે ઘરેથી જતા રહેવાના મામલે બંને પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીને પરત મેળવવા બાબતે ભિલોડા નજીક બોલાચાલી અને મારામારી થઈ હોવાના આક્ષેપ સાથે બંને પક્ષે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં એક પક્ષના બે વ્યક્તિઓને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બીજા પક્ષના પાંચ વ્યક્તિઓએ વડાલી સરકારી દવાખાનામાં સારવાર લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, ગત તા. 29 સપ્ટેમ્બર 2026ના રોજ વડાલી તાલુકાના વાસણા ગામની વિધિબેન અને રહેડા ગામના અક્ષરભાઈ ઘરેથી જતા રહ્યા હોવાની જાણ બંને પરિવારોને થઈ હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો અને યુવકના પરિવારજનો દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી હતી.આ દરમિયાન યુવતીને પરત મેળવવા માટે બંને પક્ષના લોકો ભિલોડા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ભેગા થયા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવતીને પરત આપવા અંગેની વાતચીત દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ગાળાગાળી અને મારામારી થઈ હતી. એક પક્ષના ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે તેમને અને તેમની સાથે આવેલા પરિવારજનોને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

બીજી તરફ, યુવકના કુટુંબી મહેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુવતીના પરિવારજનો સહિતના લોકોએ તેમને અને તેમની સાથેના લોકોને અલગ-અલગ વાહનોમાં બેસાડી ઝીંઝવા ગામની સીમમાં લઈ જઈ માર માર્યો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન એક વ્યક્તિને લોખંડના સળિયાથી માથાના ભાગે ઇજા પહોંચાડવામાં આવી હતી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.બંને પક્ષ એક જ સમાજના હોવાથી સમાજના આગેવાનો મારફતે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સમાધાન ન થતાં બંને પક્ષે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો