તારીખ ૧૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકાના સુખીયાપુરી થી વેરૈયા ગામ નજીક રોડ પર જૂના ઝઘડાની અદાવત રાખી એક યુવકને રોકી માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરીયાદી જયદિપસિંહ ચંદુભાઇ ચૌહાણ (ઉ.વ. 48, ધંધો-ખેતી, રહે. સુખીયાપુરી ગામના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર તેમનો પુત્ર અનીલકુમાર જયદિપસિંહ ચૌહાણ હાલોલ પોલીકેપ કંપનીમાં નોકરી કરે છે અને રોજ મો.સા. નં. GJ-17-CC-5773 લઈને અવર-જવર કરે છે.ગત તા. 13/10/2026 ના રોજ સાંજના સાતેક વાગ્યે તે નોકરી પરથી છૂટી ઘરે આવતો હતો. દરમિયાન વેરૈયાથી સુખીયાપુરી જતા રોડ પર કોતર પાસે આરોપીઓ (1) જગદીશકુમાર વિનોદસિંહ ચૌહાણ અને (2) હિતેશકુમાર ભીમસિંહ ચૌહાણ, બન્ને રહે. સુખીયાપુરી વાળાઓએ તેની મોટરસાયકલ રોકી હતી. છએક માસ પહેલાના ઝઘડાની અદાવત રાખી બન્નેએ અનીલકુમાર સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી. આરોપી નં-1 એ પોતાના હાથમાં પહેરેલ કડું અનીલકુમારના જમણા ગાલ ઉપર મારી ઈજા પહોંચાડી હતી.આ બનાવ અંગે અનીલે તેના પિતાને ફોન કરતા ફરિયાદી જયદિપસિંહ, તેમના મોટા ભાઈ દિલીપસિંહ ચંદુભાઈ ચૌહાણ અને ભત્રીજો મહેશકુમાર કનુભાઈ ચૌહાણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. છોડાવવા વચ્ચે પડતા ફરિયાદીને પણ મા-બેન સામે ગાળો બોલી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.ત્યારબાદ બન્ને આરોપીઓએ ફરિયાદી અને તેના પુત્રને “આજે તો તમે બચી ગયા છો, હવે પછી રસ્તામાં મળશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. જ્યાં ઘટનાની જાણ 112 પર કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત અનીલને 108 મારફતે ગોધરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.આ બનાવ અંગે વેજલપુર પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











