વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં નવરાત્રિ મહોત્સવની રંગત પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ બોલાવી; બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતાઓને ઇનામો અપાયાં
વત્સલ્યયમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની આરતી અને સ્તુતિ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉત્સાહભેર જોડાઈ હતી. ગરબાના તાલે વિદ્યાર્થીનીઓએ ઉત્સવની રંગત જમાવી હતી.
કાર્યક્રમના અંતે બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગ કેટેગરીમાં વિજેતા વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટી અશોકભાઈ પટેલ તથા કોલેજના આચાર્ય સુરેશભાઈ પટેલના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
ગરબા સ્પર્ધામાં બેસ્ટ એક્શન કેટેગરીમાં મિસ્ત્રી જાનવી, ઠાકોર અર્પિતા, પટેલ શ્રુતિ, સિંધી વૈશાલી અને સેનમા અંજલી વિજેતા બન્યાં હતાં. જ્યારે બેસ્ટ ડ્રેસિંગ કેટેગરીમાં રાઠોડ પૂનમબા, રાઠોડ આરતીબા અને રાઠોડ કોમલબા વિજેતા જાહેર થયાં હતાં.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. જે.એમ. પટેલ, ડૉ. જે.કે. વોરા અને ડૉ. વર્ષાબા જાડેજાએ સેવા આપી હતી. નવરાત્રિના ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોલેજમાં સાંસ્કૃતિક ઉત્સવની અનોખી છટા પ્રસરાવી હતી.











