સંઘપુર પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવા તંત્રની પહેલ; આરોગ્ય તપાસ સહિત આધારકાર્ડ અને રેશનકાર્ડની કામગીરી કરાઈ
વિજાપુર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના સંકલનથી છેવાડાના નાગરિકો સુધી સરકારની વિવિધ કલ્યાણકારી અને વ્યક્તિગત લાભની યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી સંઘપુર ની જિલ્લા પંચાયતની બેઠક હેઠળ પ્રાથમિક શાળા સંઘપુર ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા લાભાર્થીઓને જરૂરી સેવાઓ પૂરી પાડવાની સાથે સ્થળ પર જ અરજીઓ અને દસ્તાવેજોને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત મેડિકલ કાર્ડ, સગર્ભા માતાઓ માટેની નમોશ્રી યોજના, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તપાસ માટે મેડિકલ કેમ્પ, આધારકાર્ડમાં સુધારા-વધારા, રેશનકાર્ડમાં સુધારા-વધારા, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના, સોલાર રૂફટોપ યોજના, એસ.ટી. વિભાગની વિવિધ યોજનાઓ, આઈ.સી.ડી.એસ. વિભાગની સેવાઓ તેમજ આવકના દાખલા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મેડિકલ કાર્ડ તથા ગંગા સ્વરૂપા યોજના હેઠળના લાભાર્થીઓને મંજૂરીના હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સંઘપુર બેઠકના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય, ધનપુરા, રણછોડપુરા તથા સંઘપુરના સરપંચો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી પહોંચાડવા માટે યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.










