ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં શિનોર–માલસર માર્ગ પર ડામર અને કાર્પેટિંગની બાકી રહેલી કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આ કામગીરીનો શુભ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે જણાવ્યું હતું કે શિનોર–માલસર માર્ગનું સમારકામ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ ડામર અને કાર્પેટિંગની કામગીરી બાકી હતી. જે કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંબંધિત એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી હતી, જેને પગલે સમયમર્યાદા 15 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જોકે, આ તારીખ પહેલાં જ માર્ગની કામગીરી પૂર્ણ કરવા એજન્સીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત શિનોર–માલસર માર્ગની કામગીરી પૂર્ણ થયા બાદ સાધલી–કાયાવરોહણ–પોર માર્ગની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી છે. આ માર્ગની કામગીરીની સમયમર્યાદા ફેબ્રુઆરીમાં પૂર્ણ થવાની છે, ત્યારે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ કામ પૂરું કરવા સૂચના આપવામાં આવી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.
આ પ્રસંગે શિનોર તાલુકાના ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










