કાલાવડમાં મારામારી બાદ પોલીસનું મેગા કોમ્બિંગ: ગેરકાયદે હથિયારોના ત્રણ ગુના, વીજચોરી બદલ રૂ. ૧.૬૦ લાખનો દંડ

કાલાવડમાં મારામારી બાદ પોલીસનું મેગા કોમ્બિંગ: ગેરકાયદે હથિયારોના ત્રણ ગુના, વીજચોરી બદલ રૂ. ૧.૬૦ લાખનો દંડ

પોલીસ, એસઓજી અને પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહી; દસ્તાવેજો વગરનાં પાંચ વાહનો ડિટેઇન કરાયાં, અસામાજિક તત્ત્વો સામે સઘન ચેકિંગ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૧૫ : કાલાવડ શહેરમાં મારામારીના ગંભીર બનાવ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક તત્ત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખસો પર અંકુશ લાવી શકાય તે માટે જામનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાલાવડ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન શંકાસ્પદ ઈસમો, અસામાજિક તત્ત્વો અને રીઢા ગુનેગારોનાં રહેઠાણો પર સઘન ચેકિંગ તથા સર્ચ કરવામાં આવ્યું હતું.

કાલાવડમાં હાથ ધરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં પોલીસની ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અને રહેઠાણોની ચકાસણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાને પડકારતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરાયું હતું. પોલીસની આ કામગીરી દરમિયાન ગેરકાયદે હથિયારો મળી આવતાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા.

બીજી તરફ, વીજચોરી અને ગેરકાયદે વીજજોડાણો સામે કાર્યવાહી કરવા પીજીવીસીએલની ટીમને પણ કોમ્બિંગમાં જોડવામાં આવી હતી. વીજ કંપનીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં ગેરકાયદે વીજજોડાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને વીજ નિયમોના ભંગ બદલ કુલ રૂ. ૧,૬૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં જરૂરી દસ્તાવેજો ન ધરાવતાં પાંચ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.

કાલાવડમાં મારામારીના ગંભીર બનાવ બાદ પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં ગુનાખોરી, ગેરકાયદે હથિયારો, વીજચોરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવાયું છે. કાયદો હાથમાં લેનાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો