તારીખ ૧૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામની ચોકડી પર ચાની લારી ચાલુ રાખવા બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે 4 શખ્સો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી રંગીતસિંહ વિરાભાઈ રાઠોડ (ઉ.વ. 42, રહે. મધવાસ ગામ એ જણાવ્યું હતું કે, ગઈ કાલ તા. 14/10/2026 ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે તેઓ તેમના ભત્રીજા લમણસિંહ ઉર્ફે કોયો રંગીતસિંહ સોલંકી અને મિત્રો મિથુનકુમાર ફતેસિંહ રાઠોડ અને વિજયસિંહ જેસિંગસિંહ રાઠોડ સાથે મધવાસ ચોકડી પર આવેલી કનુભાઈ ભરવાડની ચાની લારી પર ચા પીવા બેઠા હતા.તે દરમિયાન શંકરપુરા ફળિયામાં રહેતા આરોપીઓ (1) કલ્પેશભાઈ બહાદુરભાઈ સિકલીગર,(2) કેશરીભાઈ માનાભાઈ સિકલીગર, (3) વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ સિકલીગર અને (4) જલાભાઈ બહાદુરભાઈ સિકલીગર ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના ભત્રીજાને કહ્યું હતું કે, “અહીંયા ચાની લારી કેમ ચાલુ કરાવી છે? અહીંથી હટાવી લો, અમારે અહીંયા લારી ચાલુ કરવી છે.”આ બાબતે બોલાચાલી થતા ચારેય આરોપીઓએ ગાળો બોલી ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ મુજબ આરોપી નં.1 કલ્પેશભાઈએ હાથમાં રહેલી લોખંડની નરાશ વડે લમણસિંહ ઉર્ફે કોયાને માથા અને ડાબા હાથના બાવડા પર મારી લોહીલુહાણ કર્યો હતો. જ્યારે આરોપી નં.2 કેશરીભાઈએ લાકડી વડે તેના બંને પગે અને કમરના ભાગે માર માર્યો હતો. અન્ય બે આરોપીઓએ પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો.ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા મહેશભાઈ કનુભાઈ ભરવાડને ડાબા કાનમાં અને હરીશભાઈ રાજુભાઈ ભરવાડને ડાબી આંખ નીચે અને ડાબા પગના અંગૂઠામાં ઈજાઓ થઈ હતી. મારામારી બાદ ચારેય આરોપીઓએ ધમકી આપી હતી કે, “આજે તો બચી ગયા છો, હવે પછી અહીંયા ચાની લારી ચાલુ રાખશો તો જાનથી મારી નાખીશું.” જતી વખતે આરોપીઓએ ચાની લારી પાસે પાર્ક કરેલી લમણસિંહની ફોર વ્હીલર ગાડીના કાચ તોડી આશરે રૂ. 20,000/- નું નુકસાન પહોંચાડ્યું હતું.ઈજાગ્રસ્તોને પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ અને બાદમાં લમણસિંહને વધુ સારવાર માટે સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, કાલોલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કાલોલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.











