વિજાપુરમાં વારંવાર વીજકાપથી લોકો પરેશાન દિવસમાં બે-ત્રણ વખત વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત : પૂર્વ સરપંચે વડાપ્રધાનને પત્ર લખી તપાસ અને કાયમી ઉકેલની માંગ કરી

વિજાપુરમાં વારંવાર વીજકાપથી લોકો પરેશાન
દિવસમાં બે-ત્રણ વખત વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત : પૂર્વ સરપંચે વડાપ્રધાનને પત્ર લખી તપાસ અને કાયમી ઉકેલની માંગ કરી
વિજાપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો બંધ થવાની સમસ્યાને લઈને તપાસ અને કાયમી ઉકેલની માંગ ઊઠી છે. જેપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનોજ ડી. પટેલે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરી સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વિજાપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન અંદાજે બે-ત્રણ વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે અને આશરે 15 મિનિટ બાદ પુનઃ શરૂ થાય છે. વારંવાર વીજળી ખોરવાતી હોવાને કારણે ઘરેલું વીજ ગ્રાહકો, વેપારીઓ, નાના ઉદ્યોગો, વિદ્યાર્થીઓ સહિતના વીજ વપરાશકારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વારંવાર વીજ પુરવઠો બંધ થવાથી વીજ ઉપકરણોને નુકસાન થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
વીજકાપ પાછળનું કારણ સ્પષ્ટ કરવાની માંગ
પૂર્વ સરપંચે રજૂઆતમાં જણાવ્યું છે કે વીજ પુરવઠો બંધ થવા પાછળનું કારણ સ્પષ્ટ થવું જરૂરી છે. વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા માટે કરવામાં આવતા નિયોજિત લોડ શેડિંગ ઉપરાંત ફીડર ટ્રિપિંગ, ઓવરલોડિંગ, સબસ્ટેશનની ખામી, જાળવણી અથવા અન્ય ટેકનિકલ કારણો જવાબદાર છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.
છેલ્લા 30 દિવસના વીજકાપનો અહેવાલ મેળવવા રજૂઆત
મનોજ ડી. પટેલે વિજાપુર તાલુકામાં છેલ્લા 30 દિવસ દરમિયાન થયેલા વીજકાપની ફીડરવાર અને સમયવાર વિગતો મેળવવા માંગ કરી છે. સાથે જ સંબંધિત સબસ્ટેશન, ફીડર, ટ્રાન્સફોર્મર, સુરક્ષા ઉપકરણો અને વીજ પુરવઠાની ગુણવત્તા સંબંધિત રેકોર્ડની તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
જો વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનું તપાસમાં જણાય તો તેના ચોક્કસ કારણો ઓળખી સમયમર્યાદામાં કાયમી સુધારાત્મક પગલાં ભરવામાં આવે તેમજ તપાસનો લેખિત અહેવાલ અને ભવિષ્યમાં આવી સમસ્યા અટકાવવા માટેના આયોજનની માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ મામલે સંબંધિત કેન્દ્રીય ઊર્જા મંત્રાલય, ગુજરાત સરકાર અને UGVCL દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરતાં પૂર્વ સરપંચે નિયમિત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો