તા.૧૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
રાજ્યના વિકાસમાં પરસેવો પાડનારા શ્રમિકોનું સ્વાસ્થ્ય અને કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
ભોજન કેન્દ્ર પરથી દરરોજ સવારે ૭ થી ૧૧ સુધી શ્રમિક તથા તેમના પરિવારને માત્ર ₹૫/- માં પૌષ્ટિક ગરમ ભોજન મળશે
Rajkot: આજરોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે જસદણના આટકોટ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આટકોટનાં કૈલાસનગરપરા ખાતે શરૂ કરાયેલા ભોજન કેન્દ્ર પર મંત્રીશ્રીએ ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કરી, ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પોતાના હાથે આદરપૂર્વક ગરમ અને પૌષ્ટિક ભોજન પીરસ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ની મુલાકાત લઈને શ્રમિકો માટેની આરોગ્ય તપાસણી પ્રક્રિયા અને ઉપલબ્ધ દવાઓની વિગતો મેળવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને સંબોધતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોનો પરસેવો તથા અથાક પરિશ્રમ રહેલો છે. આ શ્રમિકો અને તેમના પરિવારોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શ્રમિકો દિવસભર આકરી મહેનત કરતા હોય ત્યારે તેમને પોતાના કાર્યસ્થળની નજીક જ સ્વચ્છ અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે.

માત્ર ₹૫/- ના ટોકન દરે મળતા પૌષ્ટિક ભોજનનો મહત્તમ લાભ મેળવવા તેમજ આસપાસ કામ કરતા અન્ય બાંધકામ ક્ષેત્રનાં શ્રમિક ભાઈ-બહેનોને પણ આ યોજના વિશે માહિતગાર કરવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. જે શ્રમિકો પાસે હાલ ‘ઈ-નિર્માણ કાર્ડ’ ન હોય તેમને કેન્દ્ર પર જ તાત્કાલિક કામચલાઉ નોંધણી કરાવી ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકાય તેવી સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ સાથે તેમણે રાજ્ય સરકારની બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે શિક્ષણ સહાય, પ્રસૂતિ સહાય અને અકસ્માત સુરક્ષા સહાયનો જરૂરિયાત મુજબ લાભ લેવા શ્રમિકોને પ્રેરિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) દ્વારા રાજ્યના ૨૮ જિલ્લાઓમાં કુલ ૧૦૧ નવા ભોજન વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કરાયો છે. આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં અગાઉ કાર્યરત ૧૪ કેન્દ્રો ઉપરાંત આજે આટકોટ, રાજકોટ શહેર, ગોંડલ અને જેતપુર સહિત વધુ ૭ નવા કેન્દ્રો શરૂ થતાં હવે કુલ ૨૧ કેન્દ્રો કાર્યરત બન્યા છે. આ યોજના હેઠળ ઈ-નિર્માણ કાર્ડધારક શ્રમિકોને પ્રતિ વ્યક્તિ માત્ર ₹૫/- માં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું અને ગોળ સહિતનું સંતુલિત ભોજન તેમજ અઠવાડિયામાં એક દિવસ મિષ્ટાન્ન પીરસવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં બાંધકામ સાઇટો પર શ્રમિકોના સ્વાસ્થ્ય રક્ષણ અર્થે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સતત કાર્યરત છે.
આ લોકાર્પણ સમારોહમાં જસદણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન, નાયબ શ્રમ આયુક્તશ્રી એસ.એસ.મેકવાન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નિલેશભાઈ હિરપરા, તાલુકા પંચાયત સદસ્યશ્રી શ્રી મનસુખભાઈ, શ્રી સોનલબેન વાસાણી, આટકોટ ગ્રામ પંચાયતના ઉપસરપંચશ્રી નિલેશભાઈ જોટંગીયા સહિત અગ્રણીશ્રીઓ, શ્રમ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ શ્રમિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.











