MORBI – મોરબી PGVCL દ્વારા બોક્સ તો બનાવ્યા… પણ સફાઈ કોણ કરશે?

જાળવણી અને સ્વચ્છતાના અભાવે વીજ બોક્સ બન્યા કચરાપેટી સમાન: શોર્ટ સર્કિટ અને મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ
(તસ્વીર: પ્રવીણ સનાલિયા)
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાના સુચારુ સંચાલન માટે વિવિધ સ્થળોએ વીજ બોક્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા આ બોક્સનો મુખ્ય હેતુ વીજ ઉપકરણોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાનો છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.

હાલમાં અનેક વિસ્તારોમાં આ વીજ બોક્સની આસપાસ અને અંદર કચરો, પ્લાસ્ટિક, ધૂળ અને ગંદકીના ઢગલા જામી ગયા છે. કેટલાક સ્થળોએ તો બોક્સ ખુલ્લા કે તૂટેલી હાલતમાં જોવા મળે છે, જેના કારણે તે કચરાપેટી જેવા બની ગયા છે. તંત્ર દ્વારા બોક્સ મૂકી દેવામાં આવ્યા બાદ તેની નિયમિત સફાઈ કે દેખરેખ માટે કોઈ પણ પ્રકારની સ્થાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.
વીજ સુરક્ષા સામે મોટો ખતરો – વીજ બોક્સની અંદર એકત્ર થતો સુકો કચરો અને પ્લાસ્ટિક ભારે જોખમી સાબિત થઈ શકે છે. સામાન્ય સ્પાર્ક કે શોર્ટ સર્કિટ થવાના કિસ્સામાં આ કચરાના કારણે આગ લાગવાની અને મોટી હોનારત સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિ રાહદારીઓ તેમજ આસપાસના રહીશો માટે પણ જીવનું જોખમ ઊભું કરી રહી છે.

જવાબદારી નક્કી કરી યોગ્ય નીતિ બનાવવી અનિવાર્ય – સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, માત્ર માળખાકીય સુવિધાઓ ઊભી કરી દેવાથી કામ પૂરું થતું નથી. તેની નિયમિત જાળવણી, સફાઈ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ એટલી જ જરૂરી છે. PGVCL અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સંયુક્ત રીતે સ્પષ્ટ નીતિ નક્કી કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ કે એજન્સીઓની જવાબદારી નક્કી થાય અને નિયમિત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.














