*પેટલાદ તાલુકાના રાવલી ગામે અંદાજિત રૂ. ૧.૭૦ કરોડના ૧૨ નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું.


તાહિર મેમણ – આણંદ – 17/10/2026 – પેટલાદ તાલુકાના રાવલી ગામે વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ઉમદા હેતુ સાથે રાવલી પ્રાથમિક શાળા ખાતે અંદાજિત રૂ. ૧.૭૦ કરોડના માતબર ખર્ચે નિર્માણ થનારા કુલ ૧૨ નવા વર્ગખંડોના કામનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવીન શૈક્ષણિક પ્રકલ્પના માધ્યમથી સ્થાનિક વિદ્યાર્થીઓને અદ્યતન અને સુવિધાસભર વાતાવરણમાં અભ્યાસ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે. નવા વર્ગખંડોના નિર્માણથી શાળાની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને જ્યારે ગ્રામીણ સ્તરે રૂ. ૧.૭૦ કરોડના ખર્ચે ૧૨ નવા ઓરડાઓ તૈયાર થશે, ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન વાઘેલા, પેટલાદ તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ સોલંકી, અગ્રણી શ્રી વિજયભાઈ, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, નિલેશભાઈ દવે તેમજ એ.ટી.વી.ટી. સભ્ય જગદીશભાઈ પરમાર, રાવલી ગામના સરપંચ હફીજનબીબી એન. મલેક, શાળાના આચાર્ય મુકેશભાઈ બી. પટેલ, એસ.એમ.સી.ના અધ્યક્ષ ટી.એન. મલેક સહિત ગામના અગ્રણીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









