
૨૧ વર્ષથી જૈન નવરાત્રી મહોત્સવના આયોજન અને જૈન સંસ્કૃતિના જતન બદલ સન્માનપત્ર અર્પણ કરાયું

ઈડર, તા. ૧૬: સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ફેડરેશન ઓફ હુમડ જૈન સમાજ – ગુજરાત પ્રોવિન્સ દ્વારા ઈડર દિગંબર જૈન યુવક મંડળનું જૈન સંસ્કૃતિના સંવર્ધન અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૧ વર્ષથી જૈન નવરાત્રી મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા બદલ યુવક મંડળને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

ઈડર દિગંબર જૈન યુવક મંડળ દ્વારા વર્ષોથી યોજાતા જૈન નવરાત્રી મહોત્સવમાં સમાજની બહેનો, દીકરીઓ અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમવાની તક મળે છે. આ આયોજન જૈન સંસ્કૃતિના જતન સાથે સમાજમાં એકતા, સંસ્કાર અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપતું હોવાથી ફેડરેશન દ્વારા મંડળની કામગીરીની અનુમોદના કરવામાં આવી હતી.
આ સન્માન સમારોહમાં ફેડરેશન ઓફ હુમડ જૈન સમાજ – ગુજરાત પ્રોવિન્સના અધ્યક્ષ કપિલભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફેડરેશનની વિવિધ પ્રવૃત્તિઓ અને સમાજના ઉત્થાન માટે હાથ ધરવામાં આવતા સેવાકાર્યો અંગે માહિતી આપી હતી. સાથે જ યુવાનોને શિક્ષણ, કારકિર્દી ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં ઈડર દિગંબર જૈન યુવક મંડળના પ્રમુખ મનીષભાઈ ગાંધી, દિગંબર જૈન સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દોશી, સમાજના મંત્રી મિલીનભાઈ સંખેસરા, નાગરિક બેંકના ચેરમેન ચિરાગભાઈ ગાંધી, રાયદેશ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ એન. શાહ તથા ખેડબ્રહ્મા જૈન સમાજના પ્રમુખ ડૉ. પરેશભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિપિનજી ગાંધી અને રાષ્ટ્રીય મહામંત્રી મહેન્દ્રજી બંડી દ્વારા પણ આ પ્રસંગે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ફેડરેશનના અધ્યક્ષ કપિલભાઈ શાહ અને મંત્રી નિકેશભાઈ સંખેસરાએ યુવક મંડળના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવી તેમની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ફેડરેશનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંગઠનભાવ મજબૂત બનાવવો, જૈન સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરવું, યુવા પેઢીને યોગ્ય દિશા આપવી તથા સમાજસેવાના કાર્યોને પ્રોત્સાહન આપવાનો છે. ઈડર દિગંબર જૈન યુવક મંડળનું આ સન્માન સમાજની અન્ય સંસ્થાઓ અને યુવાનોને પણ સાંસ્કૃતિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરણા પૂરું પાડશે.
— અહેવાલ જયંતિ પરમાર સાબરકાંઠા









