એહવાલ માધવ મકવાણા લીમખેડા

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાને મળશે નવા વર્ગખંડો; બાળકોના શિક્ષણ માટે વિકાસની નવી આશા જાગી
સીંગવડ, તા. 17/10/2026
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાંતા ગામે શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી પહેલ હાથ ધરવામાં આવી છે. પાંતા પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મંજૂર થયેલા પાંચ નવા વર્ગખંડોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનો અને શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી.
કાર્યક્રમમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, મેથાણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નિવેશભાઈ તાવીયાડ, સુડીયા જિલ્લા પંચાયતનાં સભ્ય શ્રીમતી ભુરીબેન બારિયા, ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ, કુમકુમ તિલક અને મંત્રોચ્ચાર સાથે સાંસદશ્રી તથા ગ્રામજનોએ ઈંટો મૂકી નવા ભવનના નિર્માણકાર્યનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે પાંતા ગામનાં સરપંચ શ્રીમતી મસુરીબેન ભુરસીંગભાઈ ડામોર, તલાટી કમ મંત્રી નીલેશકુમાર, સ્થાનિક આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા ઓરડાઓના નિર્માણથી બાળકોને વધુ સુવિધાજનક વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાતમુહૂર્તના પ્રસંગે શાળાના બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા છે. નવા ઓરડાઓ બનવાથી પાંતા ગામના બાળકોને વધુ આધુનિક અને સુવિધાજનક શૈક્ષણિક વાતાવરણ મળશે.” તેમણે વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની રૂપરેખા રજૂ કરી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
પાંતા પ્રાથમિક શાળામાં પાંચ નવા ઓરડાઓના નિર્માણની પહેલથી ગામના શૈક્ષણિક વિકાસને વેગ મળવાની આશા છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સવમય માહોલમાં સંપન્ન થયો હતો.










