રીપોર્ટ આસીફ લુણાવાડા

સ્ટેમ્પ ડ્યુટીની ચોરી સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની કડક કાર્યવાહી
ત્રણ દિવસમાં ૭૦થી વધુ કોમર્શિયલ એકમોની આકસ્મિક તપાસ, રૂ. ૭૩.૩૬ લાખની ભાડાકરારની રકમ ધરાવતા ૧૩ અસલ દસ્તાવેજો જપ્ત
લાખોની ભાડાકરારની રકમ સામે માત્ર રૂ. ૩૦૦ના સ્ટેમ્પનો ઉપયોગ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
મહિસાગર જિલ્લાના લીમડીયા અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં ભાડાકરારના દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી તથા ફરજિયાત નોંધણીના નિયમોના પાલનની ચકાસણી માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી ટીમો દ્વારા લીમડીયા ચોકડી, લીમડીયા બસ સ્ટેશન, લુણાવાડા–ગોધરા હાઇવે, મોડાસા હાઇવે સહિતના વિસ્તારોમાં ૭૦થી વધુ કોમર્શિયલ એકમો, કોમ્પ્લેક્સ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ અને શોરૂમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભાડાકરારના દસ્તાવેજોમાં દર્શાવેલી રકમની સરખામણીએ સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજોની નોંધણી અંગે પ્રાથમિક દૃષ્ટિએ અનિયમિતતાઓ જણાતાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૮૫ની કલમ ૩૩ હેઠળ કુલ ૧૩ અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાં દર્શાવેલી ભાડાકરારની કુલ રકમ રૂ. ૭૩,૩૬,૦૦૦ થાય છે. પ્રાથમિક તપાસમાં કેટલાક દસ્તાવેજોમાં લાખોની ભાડાકરારની રકમ હોવા છતાં માત્ર રૂ. ૩૦૦ના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
વધુમાં, જપ્ત કરાયેલા ૧૩ દસ્તાવેજોમાંથી ૧૦ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી ન હોવાનું પ્રાથમિક ચકાસણીમાં જણાયું છે. ફરજિયાત નોંધણીના નિયમોનું પાલન ન કરવાના કિસ્સાઓમાં સંબંધિત પક્ષકારોની જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લીમડીયા અને ખાનપુર વિસ્તારના પાંચ દસ્તાવેજોમાં સરકાર ટીવીએસ બાઇક શોરૂમ, સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સનાં બે ભાડાકરાર, હરદેવ રજવાડી ચા અને માં હોસ્પિટલનો સમાવેશ થાય છે. જ્યારે લુણાવાડા વિસ્તારના આઠ દસ્તાવેજોમાં શ્રીજી સોલાર એનર્જી, ચસ્કાચાટ, રિદ્ધિ ઇલેક્ટ્રિક વ્હીલ્સ, પારૂલ યુનિવર્સિટીની બ્રાન્ચ ઓફિસ, જય અંબે કાર એસેસરીઝના બે ભાડાકરાર, ક્રિષ્ણા ઓટો અને રાજેન્દ્ર મોટર્સનો સમાવેશ થાય છે.
દસ્તાવેજોમાં દર્શાવેલી ભાડાકરારની રકમ મુજબ સરકાર ટીવીએસ બાઇક શોરૂમ અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સના એક ભાડાકરારમાં રૂ. ૧૨-૧૨ લાખ, માં હોસ્પિટલના ભાડાકરારમાં રૂ. ૧૮.૬૦ લાખ તથા જય અંબે કાર એસેસરીઝના બંને ભાડાકરારમાં રૂ. ૭.૯૨-૭.૯૨ લાખની રકમ દર્શાવવામાં આવી છે. અન્ય દસ્તાવેજોમાં પણ અલગ અલગ રકમના ભાડાકરાર નોંધાયેલા છે.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સરકારી મહેસૂલને થતું નુકસાન અટકાવવા, ભાડાકરારના દસ્તાવેજોમાં નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરાય અને ફરજિયાત નોંધણીની જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આગામી દિવસોમાં પણ વિવિધ કોમર્શિયલ એકમો, દુકાનો, શોરૂમ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલો સહિતનાં સ્થળોએ આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન જણાશે તો સંબંધિત પક્ષકારો સામે લાગુ પડતી કાયદેસરની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.









