દિવ્યાંગ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા ‘ઉમંગ ઉત્સવ ૨૦૨૬-૨૭’નું આયોજન : ૩૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દિવ્યાંગ બાળકોમાં રહેલી આંતરિક અને કલાત્મક પ્રતિભા ખીલે તેમજ તેઓ સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા જેવા પરંપરાગત કળાના વારસાથી પરિચિત અને પ્રોત્સાહિત થાય તેવા શુભ આશયથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ‘ઉમંગ ઉત્સવ ૨૦૨૬-૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉત્સવ અંતર્ગત સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય ક્ષેત્રની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૭ થી ૧૨ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકો તેમજ ૭ થી ૧૫ વર્ષ સુધીના મંદબુદ્ધિ બાળકો સીધી જ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનનારા સ્પર્ધકોને તેમની કલા વધુ નીખરે તે માટે રાજ્ય કક્ષાએ વિશેષ તાલીમ આપવામાં આવશે તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કૌશલ્ય પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળશે.
‘ઉમંગ ઉત્સવ’માં ભાગ લેવા ઇચ્છતી સંસ્થાઓએ નિયત પ્રવેશપત્રમાં કલાકારની જન્મતારીખ દર્શાવતી યાદી તેમજ કૃતિની વિગતો સાથેની અરજી પ્રદેશ કક્ષાના આયોજક જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે (સંપર્ક: ૦૨૮૧-૨૪૪૦૦૮૧). અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ નિયત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાની સંસ્થાઓ વધુ વિગતો અને જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૧/૯, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરી શકશે.










