અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ

“કયો તો ગોરાદે તમને કડલા ઘડાવું…”ના તાલે અરવલ્લીમાં ખેલૈયાઓ ઝૂમ્યા, ગરબા મેદાનોમાં ઉમટી ભીડ
મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં સાતમા નોરતે નવરાત્રિનો રંગ જામ્યો, ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવાધને મન મૂકીને ગરબા રમ્યા
અરવલ્લી: “કયો તો ગોરાદે તમને કડલા ઘડાવું, એમાં હીરલે રતન જડાવું… મારા રે હમ માનો જીરે…” જેવા લોકપ્રિય ગરબાના તાલે મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવની રંગત ખીલી ઊઠી હતી. નવરાત્રિનો પર્વ હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સાતમા નોરતે વિવિધ ગરબા મેદાનોમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી.

નવરાત્રિના સાતમા નોરતે યુવાધન હિલોળે ચઢ્યું હતું. રંગબેરંગી અને પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવેલા યુવક-યુવતીઓએ મન મૂકીને રાસગરબાની રમઝટ બોલાવી હતી. ઢોલ-નગારાં અને ગરબાના મધુર સંગીતના તાલે ખેલૈયાઓએ વર્તુળાકારે ગરબા રમી નવરાત્રિની ભક્તિમય અને ઉત્સાહભરી સાંજને યાદગાર બનાવી હતી.
મોડાસા શહેર સહિત જિલ્લાના વિવિધ ગરબા આયોજનોમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓના ઉત્સાહે ગરબા મેદાનોમાં અનોખી રોનક જમાવી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓની રંગબેરંગી વેશભૂષા અને ગરબાની રમઝટ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આમ, નવરાત્રિના સાતમા નોરતે અરવલ્લી જિલ્લામાં રાસગરબાની ધૂમ વચ્ચે ભક્તિ, પરંપરા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. હવે નવરાત્રિના બાકીના નોરતે પણ ખેલૈયાઓમાં ગરબાનો ઉત્સાહ યથાવત્ રહેવાની આશા છે.










