TANKARA:ટંકારાના હીરાપર નજીક ગમખ્વાર અકસ્માત, હિટ એન્ડ રનમાં બે વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત.

ટંકારાના હીરાપર નજીક હિટ એન્ડ રન: અજાણી કારે બાઈકને અડફેટે લેતાં માથા પરથી ટાયર ફરી વળતા બે વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત, ૫ ઇજાગ્રસ્ત

સરાયાથી ટંકારા તરફ જઈ રહેલા શ્રમિક પરિવારના બાઈકને પાછળથી કારચાલકે ફંગોળ્યું અકસ્માત સર્જી કારચાલક ફરાર, ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. આગળ જઈ રહેલા બાઈકને પાછળથી પૂરઝડપે આવેલી અજાણી કારના ચાલકે જોરદાર ટક્કર મારતાં બે વર્ષના નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો.
બનાવની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અને હાલ ટંકારામાં જબલપુર પાટિયા સામે ઝૂંપડામાં રહેતા સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા (ઉં.વ. ૩૦) પોતાના હીરો સ્પ્લેન્ડર બાઈક (GJ-33-E-7973) પર પત્ની સુમિત્રા, ચાર વર્ષની પુત્રી રવીના, બે વર્ષના પુત્ર કાર્તિક તેમજ તેમની સાથે કામ કરતી સેજલબેન અને તેમના એક વર્ષના પુત્ર આર્યન સાથે સરાયા ગામેથી ટંકારા તરફ આવી રહ્યા હતા.દરમિયાન હીરાપર ગામના પાટિયાથી દોઢેક કિલોમીટર દૂર કેનાલ નજીક પહોંચતાં પાછળથી ધસી આવેલી પૂરઝડપી અજાણી ફોરવ્હીલ કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર તમામ લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ દરમિયાન બે વર્ષીય કાર્તિક જમણી બાજુ પટકાતાં કારનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓ થતાં માસૂમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ દુર્ઘટનામાં બાઈકચાલક સંજુ પચાયા સહિત પત્ની સુમિત્રા, પુત્રી રવીના, સેજલબેન અને એક વર્ષીય બાળક આર્યનને ઈજાઓ પહોંચતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો કારચાલક ટંકારા તરફ નાસી છૂટ્યો હતો. આ મામલે ટંકારા પોલીસે સંજુ પચાયાની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે














