તારીખ ૧૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાની કાનોડ ગામે રોડ ફળિયામાં ગઈકાલે સાંજે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી બાઇકે એક વૃદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ, તારીખ ૧૭/૧૦/૨૦૨૬/ ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદી પુષ્પતસિંહ રમણસિંહ ચૌહાણ (ઉ.વ.૩૧, રહે. નાની કાનોડ, રોડ ફળિયું) પોતાના ઘરમાં હાજર હતા. તે સમયે તેમના પિતા રમણસિંહ દોલતસિંહ ચૌહાણ (ઉ.વ.૬૧) તેમના ૧૧ વર્ષીય પૌત્ર મિતકુમાર ને ટોઇલેટ કરાવવા ઘર સામેના રોડ પર લઈને ગયા હતા.તે વખતે વેજલપુર તરફથી પૂરઝડપે આવી રહેલી હોન્ડા કંપનીની સાઇન મોટરસાયકલ નંબર જીજે -૧૭-CG-૫૦૨૪ ના ચાલકે પાછળથી વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ રોડની બાજુમાં ફંગોળાઈને પડી ગયા હતા અને તેમને માથામાં અને બન્ને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઇક ચાલક પણ રોડ પર પટકાયો હતો અને તેને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યાં બનાવ બાદ પૌત્ર મિતકુમારે બૂમ પાડતા પુષ્પતસિંહ દોડી આવ્યા હતા. તેમણે બાઇક ચાલકને જોતા તે પોતાના ગામનો જ પૃથ્વીરાજ અજબસિંહ ચૌહાણ હોવાનું માલુમ પડ્યું હતું. ફરિયાદીએ બાઇકનો મોબાઇલમાં ફોટો પણ લઈ લીધો હતો. જ્યાં ઇજાગ્રસ્ત વૃદ્ધને માથા અને પગમાંથી લોહી નીકળતું હોવાથી તાત્કાલિક ૧૦૮ ને બોલાવી ગોધરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ દાખલ છે.આ અંગે પુષ્પતસિંહ ચૌહાણ કાલોલ પોલીસ મથકે આવી પૃથ્વીરાજ અજબસિંહ ચૌહાણ સામે પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી અકસ્માત સર્જવાની ફરિયાદ નોંધાવી છે.









