ઝઘડિયા તાલુકાના રાજપારડી-સારસા માર્ગ પર ગટરનું અધુરૂ ખોદકામ ખેડૂતો અને વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ

ઝઘડિયા તાલુકાના રાજપારડી-સારસા માર્ગ પર ગટરનું અધુરૂ ખોદકામ ખેડૂતો અને વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ

 

સારસાના ગુલિયાપરા ફળિયા નજીક ખાડી તરફના માર્ગ પર ખોદકામ દિવસો બાદ પણ યથાવત:શેરડી-કેળાં ભરેલ ટ્રેકટર-ટ્રકોને ભારે હાલાકી

 

 

ઝઘડિયા તા.૧૯ ઓકટોબર ‘૨૬

 

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક મુખ્ય ધોરીમાર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે રોડની બંને બાજુ ગટરો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજપારડીથી સારસા ગામ વચ્ચે પણ ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જોકે, સારસાના ગુલિયાપરા ફળિયા નજીક ખાડી તરફ જવાના માર્ગ પર ગટર બનાવવા માટે કરવામાં આવેલું ખોદકામ દિવસો વીતી જવા છતાં પૂરવામાં આવ્યું ન હોવાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. સારસાના ખાડી વગા વિસ્તારમાં અનેક ખેડૂતોનાં ખેતરો આવેલાં છે. આ ખેતરોમાંથી શેરડી, કેળાં સહિતના પાકની ઉપજ ભરીને આવતા ટ્રેક્ટરો અને ટ્રકોને આ ખોદકામને કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. ખેતપેદાશોનું પરિવહન કરતા વાહનો માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો હોવાથી અધૂરી કામગીરીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ગટર બનાવવા માટે માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો પૂર્વવત્ કરવામાં આવ્યો નથી. પરિણામે ખાડી તરફ જવા-આવવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા ખેડૂતો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને ખેતરોમાંથી ઉપજ ભરીને આવતા ભારે વાહનોને માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. એક તરફ ખેતીની ઉપજનું સમયસર પરિવહન કરવાનું હોય છે, ત્યારે બીજી તરફ રસ્તાની અધૂરી કામગીરીને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે તાકીદે ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.

 

**************************

(બોક્સ)

 

સારસા નજીક મુખ્ય ધોરીમાર્ગનું સમારકામ પણ વાહનચાલકો માટે પડકારરૂપ: માર્ગ બનાવવા ખોદી કઢાયેલ એક તરફના માર્ગને કારણે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર

 

 

રાજપારડી નજીકના સારસા ગામના ગુલિયાપરા ફળિયા પાસે મુખ્ય ધોરીમાર્ગ પર હાલ સમારકામની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક તરફનો રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાથી વાહનવ્યવહારને અસર પહોંચી રહી છે. મુખ્ય માર્ગ પરથી સરળતાથી પસાર થવામાં મુશ્કેલી પડતાં ઉમલ્લા તરફથી આવતા વાહનો રોંગ સાઇડ પરથી પસાર થતા હોવાનું સામે આવ્યું છે.

આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાવાની દહેશત ઊભી થઈ છે. મુખ્ય ધોરીમાર્ગ પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી રોંગ સાઇડ પર આવતા વાહનો અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું કરી શકે છે.

ભૂતકાળના અકસ્માતોને ધ્યાનમાં રાખી તંત્ર તાકીદે કામગીરી જલ્દીથી પૂર્ણ કરે તે ઇચ્છનીય છે.

સારસા બસ સ્ટેન્ડ નજીક ભૂતકાળમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા હોવાથી આ વિસ્તાર વાહનચાલકો માટે સંવેદનશીલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મુખ્ય ધોરીમાર્ગ પર ચાલતી સમારકામની કામગીરી અને ગટર બનાવવા માટે કરવામાં આવેલું અધૂરું ખોદકામ અકસ્માતની શક્યતા વધારી શકે છે.

આથી સંબંધિત તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખોદકામ કરાયેલા માર્ગને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવે, તેમજ મુખ્ય ધોરીમાર્ગનું સમારકામ પણ તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. ખેડૂતોની અવરજવર સરળ બને અને વાહનચાલકોની સલામતી જળવાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો