TANKARA ટંકારાના બંગાવડીમાં ઉધારમાં કરિયાણું આપવાની ના પાડતાં ૬૦ વર્ષીય વેપારી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

ટંકારા તાલુકાના બંગાવડી ગામે ઉધારમાં રાશન આપવાનો ઇનકાર કરતાં ૬૦ વર્ષીય વૃદ્ધ કરિયાણાના વેપારી પર ચાર શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ઘટના સામે આવી છે. માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ટંકારા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, બંગાવડી ગામે રામદેવપીરના મંદિર સામે ‘અલખધણી’ નામની કરિયાણાની દુકાન ચલાવતા ૬૦ વર્ષીય વેપારી ભાયલાલભાઈ જીવરાજભાઈ કાનાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ તા. ૧૮ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં આરોપી રાહુલભાઈ સુખલાલ તેમની દુકાને ઉધારમાં કરિયાણું લેવા આવ્યો હતો. વેપારીએ ઉધાર આપવાની સ્પષ્ટ ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી તકરાર કરી હતી.
ત્યારબાદ રાહુલ સુખલાલે અન્ય ત્રણ શખ્સોને બોલાવી લીધા હતા. ચારેય શખ્સોએ દુકાનમાં ઘૂસી વેપારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો, જેના કારણે ભાયલાલભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે ટંકારા પોલીસે નીચે મુજબના ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે:૧. રાહુલભાઈ સુખલાલ (રહે. ટીંબડી ગામે વાઘજીભાઈ દેવરાજભાઈ પટેલની વાડી, તા. જોડિયા, જી. જામનગર)૨. રાહુલભાઈ સરખુભાઈ ૩. બબલુભાઈ નાથુભાઈ ૪. અનીલભાઈ રૂમાલસિંગ (આ ત્રણેય રહે. બંગાવડી ગામે પ્રફુલભાઈ શામજીભાઈ મેંદપરાની વાડી, તા. ટંકારા) હાલ ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.














