સરદારપુરમાં નવરાત્રી મહોત્સવમાં અનોખી વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર ગરબાની રમઝટ વચ્ચે લગ્નવિધિની અનોખી રજૂઆત, વરરાજા-દુલ્હનને ભેટસોગાદ અપાઈ

વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં નવરાત્રી
મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી મહાકાલી ગરબા યુવક સમિતિ દ્વારા અનોખા વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ખેલૈયાઓએ વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમીને ઉપસ્થિતોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક રજૂઆતો વચ્ચે સમગ્ર ગરબા સ્થળે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં ગરબાની રમઝટ વચ્ચે યોજાયેલી અનોખી લગ્નવિધિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વરરાજા અને દુલ્હનના વેશમાં સજ્જ પાત્રો દ્વારા લગ્નપ્રસંગની વિવિધ પરંપરાગત વિધિઓ રજૂ કરવામાં આવી હતી. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ વરરાજા અને દુલ્હનને ભેટસોગાદો પણ આપવામાં આવી હતી, જે ઉપસ્થિતો માટે આકર્ષણરૂપ બની હતી.
શ્રી મહાકાલી ગરબા યુવક સમિતિના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નવરાત્રીની ધાર્મિક આસ્થા સાથે ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાગત લગ્નપ્રસંગની ઝલક જોવા મળી હતી. વેશભૂષા અને લગ્નવિધિની અનોખી રજૂઆતથી સરદારપુરના નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.










