તા.૨૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
વિજયાદશમી પર્વ નિમિત્તે દાહોદ રેલવે રાજકીય પોલીસ મથકે યોજાયું પરંપરાગત શસ્ત્ર પૂજન
દાહોદમાં વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર તહેવારની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે દાહોદ રેલવે રાજકીય પોલીસ (GRP) દ્વારા સ્ટેશન સ્થિત પોલીસ મથકે વાર્ષિક શસ્ત્ર પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.અધર્મને પાપ પર સત્ય અને ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. દાહોદ રેલવે રાજકીય પોલીસ મથકે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કાફલા દ્વારા મંત્રોચ્ચાર અને વિધિવત પૂજા-અર્ચના સાથે વિવિધ આધુનિક શસ્ત્રો અને હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્ર થઈને રક્ષણ અને સુરક્ષાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાના સંકલ્પ સાથે અબિલ-ગુલાલ, પુષ્પ અને તિલક કરીને શસ્ત્રોને વંદન કર્યા હતા. આ પ્રસંગે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને એકબીજાને દશેરાના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.










