દેશના 9 રાજ્યોમાં વીજળીની ભારે અછત, પાવર કાપની શક્યતા !!!

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના સંકટ બાદ હવે વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં મોટું વીજ સંકટ તોળાઈ રહ્યું છે. કોલસાથી વીજળીનું ઉત્પાદન વધવા છતાં વધતી માંગ સામે પુરવઠો પહોંચી રહ્યો નથી, જેના કારણે દેશના 9 જેટલા રાજ્યોમાં વીજ અછત વર્તાઈ રહી છે.

રૉયટર્સના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026માં ભારતમાં વીજળીની ઘટ વધીને 56 કરોડ યુનિટ (560 મિલિયન kWh) થઈ ગઈ છે, જે ઓગસ્ટ 2023 પછીની સૌથી મોટી વીજ કટોકટી માનવામાં આવે છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વધારાની વીજળી આપવા તાકીદ કરી છે.

દેશના મુખ્ય રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં વીજળીની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને મોડી રાત્રિના સમયે જ્યારે માંગ વધે છે ત્યારે અછત ટાળવા માટે રાજ્યો વધારાની વીજળી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. દિવસ દરમિયાન સોલાર પાવરનો ટેકો મળી રહે છે, પરંતુ રાત્રે માંગ વધારે હોવાથી ગ્રીડ પર દબાણ વધી જાય છે.
વીજ સંકટમાંથી રાહત મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સક્રિય બની છે. જરૂરિયાતમંદ રાજ્યોને વધારાની વીજળી પૂરી પાડવા ઉપરાંત કોલસાનું સ્થાનિક ઉત્પાદન ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. આ સિવાય સૌર ઊર્જા આધારિત બેટરી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે. જો માંગ અને પુરવઠા વચ્ચેનું આ અંતર ચાલુ રહેશે તો કેટલાક રાજ્યોમાં લોકોને અણધાર્યા વીજકાપનો સામનો કરવો પડી શકે છે. મોંઘા ભાવે વધારાની વીજળી ખરીદવાને કારણે વીજ વિતરણ કંપનીઓનો બોજ પણ વધી શકે છે.

વીજળીની અછતના 3 મુખ્ય કારણો

દેશમાં પાવર ક્રાઈસિસ વકરવા પાછળ ત્રણ મોટા પરિબળો મુખ્યત્વે જવાબદાર ગણાઈ રહ્યા છે:

1… પ્રથમ કારણ ઓછો વરસાદ છે, જેના પરિણામે હાઇડ્રો પાવરના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે.

2… બીજું કારણ કોલસા આધારિત પ્લાન્ટ્સમાં સ્ટોકનો અભાવ અને મેન્ટેનન્સ છે. સપ્ટેમ્બરમાં કોલસાથી વીજ ઉત્પાદનમાં 13.3% નો વધારો થયો હોવા છતાં, ગ્રીડ ઈન્ડિયાના આંકડા મુજબ દેશના આશરે 47% કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં ઈંધણનો જથ્થો નિર્ધારિત સ્તરના ચોથા ભાગ કરતાં પણ ઓછો બચ્યો છે.

3… ત્રીજું કારણ અસામાન્ય ગરમ હવામાન અને ખેતીની જરૂરિયાત છે. મોસમના બદલાવને કારણે સામાન્ય કરતાં વધુ તાપમાન રહેતા ઘરો અને ઑફિસોમાં એસી અને કૂલરનો વપરાશ સતત ચાલુ રહ્યો છે, જ્યારે બીજી તરફ ખેતરોમાં પાકની સિંચાઈ માટે પણ વીજ વપરાશમાં મોટો ઉછાળો આવ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો