વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને તાકીદ કરાઈ
નવસારી: લોકોના પડતર પ્રશ્નોનો સમયસર નિકાલ આવે અને નાગરિકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જલાલપોર તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોને લગતા કુલ ૯ પ્રશ્નો રજૂ થયા હતા.
કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન પેટા વિભાગ, સિંચાઈ પંચાયત વિભાગ, તાલુકા પંચાયત તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિતના વિભાગોને લગતી અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
કલેક્ટરશ્રીએ રજૂ થયેલા તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તેનો સમયમર્યાદામાં નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.
નાગરિકોની રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી પ્રશ્નોના નિરાકરણમાં કોઈ વિલંબ ન થાય અને અરજદારોને સમયસર ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવા પણ કલેક્ટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ કલેક્ટર શ્રીમતી દૃષ્ટિ શુક્લા, જલાલપોર મામલતદાર શ્રી મુણાલદાન ઇસરાની, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રકાશ પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.










