તા.21/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


લોકો એવું કહેતા હોય કે ગરીબી માણસને ગુન્હેગાર બનવા મજબૂર કરે છે પણ આ વાત સંપૂર્ણ સત્ય નથી. આપણે ત્યાં બે પ્રકારના ગરીબ લોકો છે બન્નેના સંસ્કાર, વિચારધારામાં જમીન આસમાનનો ફરક હોય છે. નંબર એક એવા ગરીબ લોકો કે જેઓ શહેરોમાં પણ જોવા મળે અને ગામડાઓમા વસે છે. જેઓ ત્રણ પેઢીથી ગરીબીની રેખા નીચે જીવતા હોય છે. સવારથી સાંજ કાળી મજૂરી કરી ઘેર આવે જે ઘર ઉપર ભલે છત ન હોય ઝાંપલી તૂટેલી હોય, સાંજે ઘેર આવી નાહીં ધોઈ ઘરમાં નાનકડાં ગોખલામાં બનાવેલ મંદિરમાં અગરબતી કરી કરી પરિવાર સાથે બેસીને રોટલો છાસનું વાળું કરી તૂટેલ ખાટલામાં ઘસઘસાટ ઊંઘી જાય છે. વળી સવારે ઊઠી ફરી બન્ને પતિ પત્ની મજૂરી કરવા નીકળી જાય છતા ભગવાનને પણ પોતાની ગરીબી માટે ક્યારેય ફરિયાદ નથી કરતા કે ગરીબીને પહોંચી વળવા કોઈ જોખમી અને ખોટા શોર્ટકટ પસંદ નથી કરતા. કોઈ કાનૂન વિરોધી કામ ક્દી નથી કરતા. એમની પાસે કોઈ જ ભૌતિક સુખ સુવિધાના સાધનો નથી હોતા નાનકડા દેશી ઘરમાં ટીવી, ફ્રીઝ નથી હોતા એસી પર્સનલ વાહનની ક્દી કલ્પના નથી કરી શકતા અરે સુવા માટે સારી પથારી કે સારું સાત્વિક ભોજન પણ નસીબ નથી હોતું છતાં આવા લોકો ખડખડાટ હસતા હોય સડસડાટ ચાલતા હોય અને ઘસઘસાટ ઊંઘતા હોય. જ્યારે પણ પૂછો કે કેમ છો ? તો હસતા હસતા કહેશે કે હોવ મજામાં હો! ભગવાનની દયા છે. ગમે તેવી દારુણ સ્થિતિમાં પણ તેઓ સ્થિતપ્રજ્ઞ હોય છે. કોઈ ગંભીર બીમારી કે સામાજિક પ્રસંગે જરૂર પડે તો કોઈના વ્યાજે લઈને સારવાર કે સામાજિક પ્રસંગો આટોપી લે પણ જીવનમાં પ્રમાણિકતા કે પોતાની ખાનદાની નથી છોડતા, જીવનમાં ઉદ્વેગ થાય, રાતે ઊંઘ ન આવે એવું કોઈ જ કામ જ ક્દી નથી કરતા. પોતાની પત્ની બાળકો પણ સંસ્કાર થી ભરેલા હોય છે. આવા લોકોને હું ખાનદાન ગરીબ એટલા માટે કહું છું કે આવા લોકો કપરી ગરીબી વેઠી લે છતાં ગુન્હેગાર ક્યારેય નથી બનતા સેલ્યુટ છે આવી ગરીબીને અને એટલે જ કહું છું કે ગરીબી અને ગુન્હાખોરી એક સિક્કાની બે બાજુ બિલકુલ નથી !!!! પણ બીજો એક ગરીબ વર્ગ દેશમાં એવો છે કે ખાસ કરીને મોટા શહેરોમાં છે કે એ ગરીબ ચોકસ હોય છે પણ કામચોર હોય છે. તે ગરીબીને ઢાલ બનાવી નાનપણથી ગુન્હાહિત પ્રવૃતિ તરફ વળે છે, જેઓમાં સંસ્કારનો અભાવ હોય તેઓ ગરીબ ચોકસ હોય પણ લખણના પૂરા હોય છે. મહિલા સહિત પૂરા પરિવાર વ્યસની હોય છે. બાળકોમાં અને ઘરમાં ચોમેર ગંદકી હોય છે. આવા કહેવાતા ગરીબને ત્યાં દર વરસે નવા બાળકનો જન્મ થતો હોય એટલે બાળકો જથ્થાબંધ હોય છે એટલે પોતાની જરૂરિયાત પૂરી કરવા મહેનત અને કામધંધો કરવાના બદલે નાની મોટી ગુન્હાખોરી કરતા શીખે છે, દારૂ જેવા કેફી દ્રવ્યોનું ઉત્પાદન વેચાણ સેવન પણ કરતા હોય છે. મોકો મળે ત્યાં ચોરી લૂંટફાટ હત્યા જેવા ગંભીર ગુન્હાઓ આચરી બીજા રાજ્યમાં નાસી જતા હોય છે. બાળ તસ્કરીમાં આવી મહિલાઓ પણ સંડોવાયેલી હોય છે. આવા લોકો ગરીબ જરૂર હોય પણ આધ્યાત્મિક નથી હોતા એટલે મોકો મળે તો મંદિરોમાં પણ દેવી દેવતાઓના દાગીના પણ લૂંટી લે છે. આવા કામચોર ગરીબ પોતાના બાળકો પાસે મજૂરી કરાવી કે ભીખ મંગાવી એમાંથી રોજ સાંજે દારૂ પીતા હોય છે. ગરીબ જરૂર હોય પણ તેઓમાં દયા લાગણી નહીવત હોય એટલે નશો કરીને સાંજે પત્ની બાળકો ઉપર જુલ્મ કરવામાં મોખરે હોય છે. આવા અમુક ઇસમો દ્વારા પોતાની ઝૂંપડપટ્ટીમાં રહેતી ગરીબ મહિલાઓનું શોષણ પણ બહુ થતું હોય છે. અંધશ્રધ્ધાના નામે ધતિંગ કરી લોકોને છેતરતા પણ હોય છે. જાહેર રસ્તાઓ ઉપર નશા યુક્ત હાલતમાં તીક્ષ્ણ હથિયારો સાથે બબાલ કરતા ધમાલ કરતા વિડિઓ જોવા મળતા હોય છે. એટલે મીડિયામાં ઘણીવાર એમના માટે ગરીબના બદલે “લુખ્ખાઓ” શબ્દ પ્રયોગ થતો હોય છે. આમ ઉપર કહ્યું એ મુજબ નંબર એક ગરીબ સાચા અર્થમાં ગરીબ હોવા છતા સંસ્કારી અને ખાનદાન લોકો માટે સહાનુભૂતિ થાય પણ આવા નંબર બે ગરીબ તો સમાજ માટે ખતરો હોય છે. આવા ગરીબ લોકો મોટા ગેંગસ્ટરો સાથે એના ટપોરી તરીકે કે કેફી દ્રવ્યોની હેરાફેરીમાં પેડલર તરીકે કામ કરતા હોય છે. એમના સગીર બાળકો અને મહિલાઓ પણ રેલ્વે એસટી કે સીટી બસ કે મેટ્રો ટ્રેનમાં ખિસ્સા કાપવાનું કે મોબાઈલ ચોરીનું કામ કરતા હોય છે. આવા પરિવારની મહિલાઓ દારૂનો ધંધો કરતી પણ જોવા મળે છે. જે મહિલા બુટલેગર તરીકે ઓળખાય છે. આવા પરિવાર કહેવાતા ગરીબ જેલમાં પણ અવાર નવાર આવતા જતા હોય છે. ભલે નાના મોટા ગુન્હેગારો શ્રીમંતમાં પણ હોય મધ્યમ વર્ગમાં પણ હોય કોઈ વર્ગ દૂધે ધોયેલો નથી પરંતુ બન્ને પ્રકારના ગરીબ આ દેશમાં છે નંબર એક સાહસનુભૂતિને પાત્ર હોય જ્યારે નંબર બે કહેવાતા ગરીબ જેલમાં પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે.









