વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

તેજસ્વિની સંસ્કૃતિધામ સંચાલિત શિવાશ્રય તેજસ્વિની કન્યાછાત્રાલય ખાતે નવરાત્રિ અને વિજયાદશમી પર્વની ઉજવણી વૈદિક પરંપરા અને ધાર્મિક શ્રદ્ધા સાથે કરવામાં આવી હતી. નવ દિવસ સુધી હવન, પૂજા, આરતી, ગરબા અને આધ્યાત્મિક સાધના દ્વારા દીકરીઓમાં સંસ્કાર, આત્મશુદ્ધિ, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠાનું સિંચન કરવામાં આવ્યું હતું. “માતાની કૂખથી મળેલો જન્મ દેહ આપેછે, જ્યારે ગુરુની હૂંફ અને માર્ગદર્શન જીવનને સાચી દિશા આપે છે” — આ આધ્યાત્મિક વિચાર તેજસ્વિની કન્યાછાત્રાલયમાં સાકાર થતો જોવા મળ્યો હતો. અહીં નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં દીકરીઓના વ્યક્તિત્વ ઘડતર, આત્મજાગૃતિ અને જીવનમૂલ્યોના વિકાસની સાધના બની હતી.માતૃસ્નેહ જેવી હૂંફ, ગુરુનું માર્ગદર્શન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે દીકરીઓએ નવ દિવસ સુધી માતા દુર્ગાની આરાધના કરી હતી. હવન, પૂજા અને આરતી સાથે ગરબાની ભક્તિમય રમઝટે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓમાં સદ્વિચાર, સદ્વ્યવહાર અને આત્મવિશ્વાસની ભાવના વિકસાવવાનો રહ્યો હતો. વિજયાદશમીના પવિત્ર દિવસે દીકરીઓએ પૂજ્ય હેતલદીદી પાસેથી માર્ગદર્શન મેળવી પોતાના જીવનમાંથી દુર્ગુણો, દ્વેષ, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોને દૂર રાખવાનો સંકલ્પ કર્યો હતો. દશેરા એ અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે, ત્યારે દીકરીઓએ પોતાના અંતરમાં રહેલા દુર્ગુણરૂપી રાવણનો નાશ કરી સદગુણોને જીવનમાં સ્થાન આપવાનો સંદેશ આત્મસાત કર્યો હતો. દીકરીઓએ શાકાહાર અપનાવવા, સૌની સાથે પ્રેમ અને પ્રસન્નતાથી વર્તવા, સ્વચ્છતા અને સ્વસ્થતાનું ધ્યાન રાખવા, શિક્ષણને પ્રાધાન્ય આપવા તથા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંકલ્પ દ્વારા નવરાત્રિની શક્તિ આરાધનાને જીવનમાં સદાચાર અને સદ્કર્મના આચરણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આશ્રમના સંસ્થાપક પૂજ્ય હેતલદીદીનાં માતૃશ્રી સુધાબાએ સુંદર અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા દીકરીઓને જીવનોપયોગી શિક્ષણ આપ્યું હતું. વાર્તાઓના માધ્યમથી તેમને નૈતિક મૂલ્યો, સારા સંસ્કાર અને જીવનમાં સકારાત્મક અભિગમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સંસ્થાના મુખ્ય સંસ્થાપક સભ્ય, ટ્રસ્ટી તથા દાતા વંદનીય શ્રી ટી. ડી. પટેલ સાહેબ અને સુધાબાએ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સાથે જ દીકરીઓની જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત અનાજ અને કઠોળ જેવી આવશ્યક સામગ્રીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. આ સહયોગથી શિક્ષણ, સેવા અને માનવતાના મૂલ્યોને વધુ બળ મળ્યું હતું.તેજસ્વિની સંસ્કૃતિધામ ખાતે નવરાત્રિની ઉજવણી ધાર્મિક વિધિઓની સાથે આધ્યાત્મિક ચિંતન અને જીવનઘડતરની પ્રવૃત્તિઓનું માધ્યમ બની હતી. માતા દુર્ગાની ઉપાસના દ્વારા દીકરીઓને આંતરિક શક્તિ, આત્મગૌરવ, શિસ્ત, સ્વાવલંબન અને કર્તવ્યનિષ્ઠાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નવરાત્રિની સાચી સાર્થકતા માત્ર શક્તિની આરાધનામાં નહીં, પરંતુ પોતાની અંદર રહેલી દિવ્યશક્તિને ઓળખવામાં છે; તેવી જ રીતે વિજયાદશમીની સાચી ઉજવણી પોતાના દુર્ગુણો પર વિજય મેળવી સદાચારના માર્ગે આગળ વધવામાં છે.
તેજસ્વિની સંસ્કૃતિધામની આ નવરાત્રિ ઉજવણી દીકરીઓને શિક્ષણની સાથે સંસ્કાર, આધ્યાત્મિકતા અને સેવાભાવના માર્ગે આગળ વધારવાની ભાવનાને ઉજાગર કરતી રહી હતી. ગુરુની હૂંફ, વડીલોના આશીર્વાદ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરનો આ પ્રયાસ પ્રેરણારૂપ બની રહ્યો હતો.










