અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના ઝરડા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 360 લીલા છોડ સાથે ₹ 25.26 લાખનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના 360 લીલા છોડ ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખેતરમાં હળદર, આદુ, પીંડાળુ અને રીંગણના વાવેતરની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા.

પોલીસની વિગતો મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચનાથી એન્ટી નાર્કોટિક્સ વિંગના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. શર્મા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી પંચો, એફએસએલ અધિકારી અને વીડિયોગ્રાફરની હાજરીમાં મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝરડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ખેતરમાંથી ગાંજાના 360 લીલા છોડ મળી આવ્યા હતા. એફએસએલ અધિકારી દ્વારા તપાસ કરતાં છોડ ગાંજાના હોવાનું જણાયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 50.520 કિલોગ્રામ અને કિંમત ₹ 25,26,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત ₹ 500ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે. આમ, કુલ ₹ 25,26,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે ઝરડા ગામના રાજેશભાઈ મેઘાભાઈ મેણાત (ઉંમર 40 વર્ષ) સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










