વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા નવસારી તાલુકાના અંબાડા ગામની મુલાકાત લઈ આરોગ્ય, શિક્ષણ, જાહેર વિતરણ વ્યવસ્થા અને ગ્રામ્ય સુવિધાઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વિવિધ સરકારી સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી વિગતો મેળવી હતી.
કલેક્ટર મનીષ ગુરવાનીએ અંબાડા રેફરલ હોસ્પિટલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓના ઉપલબ્ધ જથ્થા, આરોગ્યલક્ષી સાધનો તેમજ નવા મકાનના બાંધકામની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને સુવિધાઓની સ્થિતિ અંગે પણ વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ કલેક્ટરશ્રીએ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ અનાજના જથ્થાની ચકાસણી કરી હતી. રેશનકાર્ડ ધારકોને નિયમ મુજબ અનાજનું વિતરણ કરવામાં આવે છે કે નહીં તે અંગે માહિતી મેળવી જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
અંબાડા કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શૈક્ષણિક કામગીરી, વિદ્યાર્થીઓની પ્રગતિ અને બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામની પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નો અંગે વિગતો મેળવી હતી.
આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોના પોષણની સ્થિતિ તેમજ ગંભીર તીવ્ર કુપોષણ (SAM) અને મધ્યમ તીવ્ર કુપોષણ (MAM)ની શ્રેણીમાં આવતા બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી તૃપ્તિ પટેલ, મામલતદાર જાદવ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ, ગામના સરપંચ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ અને સરકારી યોજનાઓના અમલીકરણની સ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક સુવિધાઓ અંગેની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થવાનો રહ્યો હતો.










