વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તથા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–૨૦૨૬ના અમલીકરણ અંતર્ગત નાગરિકોને કચરાનું સ્ત્રોત પર જ ચાર અલગ પ્રકારમાં વર્ગીકરણ કરવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ૯ ઑક્ટોબર, ૨૦૨૬ની જાહેર સૂચના મુજબ સૂકો, ભીનો, સ્પેશિયલ કેર અને સેનેટરી કચરો અલગ રાખવાનો રહેશે.
ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નિયમો ૧ એપ્રિલ, ૨૦૨૬થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના સિવિલ અપીલ નં. ૬૧૭૪/૨૦૨૩ સંબંધિત આદેશોના અનુસંધાને પણ કચરાનું યોગ્ય વર્ગીકરણ અને વૈજ્ઞાનિક નિકાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની સૂચના મુજબ ભૂરા રંગની ડસ્ટબિનમાં સૂકો કચરો, જેમ કે પ્લાસ્ટિક, કાગળ, રબર, લાકડું અને ધાતુ; લીલા રંગની ડસ્ટબિનમાં ભીનો કચરો, જેમ કે રસોડાનો કચરો, વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ તથા અન્ય જૈવિક કચરો નાખવાનો રહેશે.
તેવી જ રીતે, કાળા રંગની ડસ્ટબિનમાં સ્પેશિયલ કેર વેસ્ટ અંતર્ગત બેટરી, બલ્બ, ટ્યુબલાઇટ, સમયમર્યાદા પૂર્ણ થયેલી દવાઓ, જંતુનાશક દવાના ડબ્બા, વપરાયેલી સિરીંજ-સોય અને ઇલેક્ટ્રોનિક કચરો મૂકવાનો રહેશે. જ્યારે લાલ રંગની ડસ્ટબિનમાં સેનેટરી કચરો, જેમાં વપરાયેલા ડાયપર, સેનેટરી નેપકિન, ટેમ્પોન, બેન્ડેજ અને અન્ય નિર્ધારિત વસ્તુઓનો સમાવેશ થાય છે, અલગથી એકત્રિત કરવાનો રહેશે.
ખુલ્લામાં કચરો ફેંકવા સામે કાનૂની કાર્યવાહી
જાહેર સૂચનામાં જણાવ્યા મુજબ કચરો ખુલ્લી જગ્યાઓમાં, જળાશયોમાં, નાળાઓમાં કે ગટરોમાં ફેંકવો, જમીનમાં દાટવો અથવા સળગાવવો કાનૂની કાર્યવાહીનું કારણ બની શકે છે. આથી નાગરિકોએ રોજિંદા ધોરણે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને જ તેનો નિકાલ કરવો જરૂરી છે.
દૈનિક ૧૦૦ કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરતા એકમોએ પોતાના સ્થળે જ કચરાની પ્રક્રિયા કરવાની રહેશે. મહાનગરપાલિકાએ જાહેર સૂચનામાં શહેરના રહેણાક વિસ્તારોમાં ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો છે.
શહેરને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે દરેક નાગરિક નિયમોનું પાલન કરે અને કચરાનું વર્ગીકરણ ઘરેથી જ શરૂ કરે તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.










