નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ પૂર જોશમાં, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતાનગર ખાતે તૈયારીઓની સમીક્ષા કરી

રાજપીપલા : જુનેદ ખત્રી
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લઈ વિવિધ સ્થળોએ ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર આયોજનની વિગતવાર સમીક્ષા કરી હતી.

એકતાનગરના સુરવા હેલિપેડ ખાતે આગમન થતાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવી રહેલાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કાર્યક્રમના આયોજન, માળખાકીય સુવિધાઓ અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ગૃહ સચિવશ્રીએ સૌપ્રથમ મહાનુભાવોના રોકાણ માટે તૈયાર કરવામાં આવી રહેલા LWE ટેન્ટ્સ/PODS આવાસ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ટેન્ટ આવાસ સ્થળેથી ટેબ્લો ડોમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચાલી રહેલાં નિર્માણકાર્યોનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અને આયોજન અંગેની વિગતો મેળવી હતી.

આ ઉપરાંત તેમણે ટેબ્લો ડોમથી એકતા પથ અને સલામી મંચ સુધીની મુલાકાત લઈ રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ભારત પર્વ સ્થળની મુલાકાત દરમિયાન પણ તેમણે ત્યાં ચાલી રહેલી તૈયારીઓ અને કાર્યક્રમના આયોજન અંગે જરૂરી વિગતો મેળવી હતી. ત્યારબાદ પ્રકાશ પર્વની મુલાકાત લીધી હતી.
આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ડેમ વ્યૂ પોઇન્ટ-૧ ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ‘આનંદમઠ’નું પ્રસ્તુતીકરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવએ ડેમ વ્યૂ પોઇન્ટ-૧ની મુલાકાત લઈ સ્થળ પરની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ એકતાનગરના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય અને તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી કેન્દ્રીય ગૃહ સચિવએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.










