MORBI:મોરબી-નવલખી હાઈવેના બિસ્માર રસ્તા મુદ્દે R&B વિભાગને આવેદનપત્ર

અલ્પેશ કોઠીયાની આગેવાનીમાં સરપંચો-નાગરિકો મેદાને; ૭ દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબીથી નવલખી બંદરને જોડતો મુખ્ય હાઈવે હાલ અત્યંત દયનીય અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મહાકાય ખાડાઓ, ઉખડી ગયેલું ડામરનું પડ અને બેફામ દોડતા ઓવરલોડ વાહનોને કારણે આ માર્ગ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આ ગંભીર લોકપ્રશ્ને આજે તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશ કોઠીયાની આગેવાનીમાં વિવિધ ગામોના સરપંચો અને જાગૃત નાગરિકોએ મોરબી માર્ગ અને મકાન (R&B) વિભાગના કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવાયું છે કે, નવલખી હાઈવે પર દૈનિક ધોરણે હજારો નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. રાત્રિના સમયે ખાડાઓ ન દેખાવાથી તેમજ ઓવરસ્પીડમાં દોડતા ઓવરલોડ ડમ્પરો-ટ્રકોને કારણે અવારનવાર ભયાનક અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતોમાં અગાઉ અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા નાગરિકો કાયમી દિવ્યાંગ બન્યા છે. લોકોના જીવ જોખમમાં હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોરબીથી નવલખી સુધીના સમગ્ર માર્ગનું અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવેમાર્ગ પર માત્ર લીપાપોથી કરવાને બદલે ગુણવત્તાયુક્ત અને કાયમી ધોરણે પેચવર્ક/સમારકામ થાય
સામાન્ય સમારકામથી રસ્તો ચાલે તેમ ન હોવાથી સમગ્ર માર્ગનું નવેસરથી રિસરફેસિંગ કરવામાં આવે અથવા નવો માર્ગ મંજૂર કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય અગાઉ સર્જાયેલા અકસ્માતો અને જાનહાનિ અંગે નિષ્પક્ષ તપાસ કરી સંબંધિત બેદરકાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે જવાબદારી નક્કી કરવામાં આવે

તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશ કોઠીયા તેમજ ઉપસ્થિત આગેવાનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, રજૂઆત મળ્યાના ૭ દિવસની અંદર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી લેખિત અહેવાલ અને કામગીરીનું ચોક્કસ સમયપત્રક જાહેર કરવામાં આવે. જો નિર્ધારિત સમયમાં સંતોષકારક અને નક્કર કામગીરી શરૂ નહીં થાય, તો સમગ્ર વિસ્તારના ગ્રામજનો, સરપંચો અને વાહનચાલકોને સાથે રાખી લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન, ધરણાં અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. જરૂર પડ્યે કાયદેસર પ્રક્રિયા હાથ ધરી આ જોખમી માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.











