વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
કચ્છમાં ૩૦મી ઓક્ટોબરે ‘પીએમ કિસાન દિવસ’ની ઉજવણી: જિલ્લામાં કુલ ૭૭ સ્થળોએ કાર્યક્રમો યોજાશે.
ભુજ ,તા-23 ઓક્ટોબર : રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન દિવસની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પીએમ કિસાન દિવસની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી ભારત બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની દેશ અને ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી ચૂકવણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાઓ અને ૧૦૯૦ જેટલી પંચાયત સીટ દીઠ આ કાર્યક્રમ યોજાશે. કચ્છ જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧ કાર્યક્રમ અને ૩૮ પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમ એમ કુલ ૭૭ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના બનાસકાંઠા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને ખેડૂત સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. કચ્છ જિલ્લામાં પીએમ કિસાન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના ૦૧ કાર્યક્રમ અને પ્રત્યેક પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ સરકારશ્રીના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની માર્ગદર્શિકા મુજબ મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ યોજાય તે માટે જરૂરી સૂચનાઓ આપી કલેક્ટરએ સ્થળ પસંદગી,લાઈવ ટેલિકાસ્ટ માટેની સુવિધાઓ, ખેડૂતોની ઉપસ્થિતિ, બેઠક વ્યવસ્થા, મોબીલાઈઝેશન, લોકભાગીદારી, કાયદો-વ્યવસ્થા તેમજ પાર્કિંગ વ્યવસ્થા સહિતની સમીક્ષા કરી હતી. તેઓએ તાલુકા અમલીકરણ સમિતિના નોડલ અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી કાર્યક્રમની રૂપરેખા અંગે અવગત કર્યા હતા.આ કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓ,કૃષિ વિભાગ,બાગાયત વિભાગ, પશુપાલન,આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લાભાર્થીઓ,પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, સહકારી મંડળીઓના સભાસદો અને પંચાયત વિભાગના વિવિધ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.કચ્છ જિલ્લામાં ૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન દિવસની ઉજવણીમાં જિલ્લાકક્ષા સહિત પંચાયત સીટ મુજબના કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે પ્રભારીમંત્રી, રાજ્યમંત્રી,સાંસદ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિત ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા સંગઠનના આગેવાન ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











