તારીખ ૨૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. જે. પટેલે જાહેરનામું બહાર પાડીને મહત્ત્વપૂર્ણ પ્રતિબંધો ફરમાવ્યા છે.જે અન્વયે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા સેવા સદનો, જિલ્લા સેવા સદન, ગોધરા તેમજ અન્ય સરકારી કચેરીઓની બહાર કે તેના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આગામી તા. ૦૪/૧૧/૨૦૨૬ સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ વગર પરવાનગીએ એકઠા થઈ શકશે નહીં.આ જાહેરનામા અંતર્ગત નિયત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારોમાં કોઈ પણ મંડળી બનાવીને ધરણાં, પ્રતિક ધરણાં, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ, ઉપવાસ કે અમરણાંત ઉપવાસ કરવા તેમજ સરઘસ કે રેલી કાઢવા પર સખત પ્રતિબંધ રહેલો છે.
આ પ્રતિબંધ ફરજ પરની સરકારી કે ગૃહરક્ષક દળની વ્યક્તિઓ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તેમજ સક્ષમ અધિકારીની ખાસ પરવાનગી મેળવેલ કિસ્સાઓને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શિક્ષાને પાત્ર ઠરશે.









