- જામનગરના મોટીખાવડીમાં મકાનમાંથી ૧૦ કિલોથી વધુ ગાંજો ઝડપાયો: બે શખ્સોની ધરપકડ, સપ્લાયરને પકડવા તપાસ
એલેન્ટો હોટલ પાછળની ગુપ્તા કોલોનીમાં મેઘપર (પડાણા) પોલીસની રેડ; ગાંજા સહિત રૂ. ૫.૧૬ લાખનો મુદ્દામાલ કબજે

જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર, તા. ૨૩: જામનગર જિલ્લામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને સેવન સામે કાર્યવાહી કરવાની સૂચનાના અનુસંધાને મેઘપર (પડાણા) પોલીસે મોટીખાવડી સીમ વિસ્તારમાં એલેન્ટો હોટલ પાછળ આવેલી ગુપ્તા કોલોનીના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે સ્થળ પરથી કુલ ૧૦ કિલો ૧૧૮ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૫,૦૫,૯૦૦ થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૫,૧૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર એક આરોપીને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ) દ્વારા નશીલા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને સેવન પર અંકુશ લાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની (આઈપીએસ)ની સૂચના તથા લાલપુર વિભાગનાં મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (આઈપીએસ)ના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ ઇન્સ્પેક્ટર એ. એલ. બારસિયાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ એલ. જાડેજા, એએસઆઈ જયરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બી. જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટીખાવડી સીમ વિસ્તારમાં એલેન્ટો હોટલ પાછળ આવેલી ગુપ્તા કોલોનીના મકાન નંબર સી-૧૦માં રહેતા મુકેશકુમાર મિશ્રા અને હફીજખાન ગાંજાના જથ્થા સાથે હાજર છે અને બંને સાથે મળીને તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડતાં મુકેશકુમાર પ્રેમચંદ મિશ્રા તથા હફીજખાન ફૈજુલ્લાખાન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ૧૦ કિલો ૧૧૮ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૫,૦૫,૯૦૦ થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૫,૧૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે મુકેશકુમાર મિશ્રા અને હફીજખાનની ધરપકડ કરી છે. જ્યારે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર વિજયશંકર પાંડે, રહે. સુરાપુર ગામ, જિલ્લા સુલતાનપુર, ઉત્તર પ્રદેશ,ને પકડવાનો બાકી છે. આ મામલે ઇન્સ્પેક્ટર એમ. એચ. મહેતા દ્વારા ફરિયાદ આપવામાં આવતાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ
મુકેશકુમાર પ્રેમચંદ મિશ્રા, હાલ રહે. મકાન નંબર સી-૧૦, ગુપ્તા કોલોની, એલેન્ટો હોટલ પાછળ, મોટીખાવડી સીમ, જામનગર; મૂળ રહે. મોતીગરપુર ગામ, દડવાકાલા ચોક, તા. જયસિંહપુર, જિલ્લા સુલતાનપુર, ઉત્તર પ્રદેશ. બીજો આરોપી હફીજખાન ફૈજુલ્લાખાન, ઉંમર ૩૭ વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. મૌલવીગંજ ગામ, તા. જિલ્લા લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશ.
પકડવાનો બાકી આરોપી વિજયશંકર પાંડે, રહે સુરાપુર ગામ, જિલ્લા સુલતાનપુર, ઉત્તર પ્રદેશ.
ગાંજાના જથ્થાનો સ્ત્રોત અને તેની હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.










