
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા આગામી 13 ડિસેમ્બરના રોજ યોજાનારી ‘દોડ 2.0’ મેરેથોનના પ્રચાર-પ્રસાર તેમજ ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાને પ્રોત્સાહન આપવાના હેતુથી બોડેલીની ગજાનંદ પાર્ક સોસાયટી ખાતે શરદ પૂર્ણિમાની ચાંદની રાતે ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, 25 ઓક્ટોબરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ, અધિક નિવાસી કલેક્ટર એસ.ડી. ગોકલાણી, બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, મામલતદાર અંજનાબેન, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને ચીફ ઓફિસર રવિ પઢિયાર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગજાનંદ પાર્ક સોસાયટી ખાતે આયોજિત પરંપરાગત મંડળી ગરબામાં સિદ્ધાર્થસિંહ ઝાલાના સારથી બેન્ડના સંગીતના તાલે ગાયક વૃંદે ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી ગુજરાતી લોકસંસ્કૃતિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નાગરિકોને આગામી 13 ડિસેમ્બરે યોજાનારી ‘દોડ 2.0’ મેરેથોનમાં પણ આ જ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી






