નર્મદા : એકતાનગરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડનું પૂરજોશમાં ચાલતું રિહર્સલ

દેશભરનાં સુરક્ષા દળોનો અદભુત કદમતાલ, BSFની ડોગ સ્ક્વોડ અને ‘Fight Against Drugs’ની થીમ આધારિત બાઇક રેલી બનશે મુખ્ય આકર્ષણ
CRPF, BSF, CISF, ITBP અને SSB ઉપરાંત વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ પણ પરેડમાં જોડાશે
રાજપીપળા : જુનેદ ખત્રી
ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના અદ્વિતીય પ્રતીક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે તૈયારીઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આગામી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ માટે હાલ વિવિધ સુરક્ષા દળો અને ટુકડીઓ દ્વારા પૂરજોશમાં અંતિમ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વના પ્રહરી સમાન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય વિશિષ્ટ ટુકડીઓ આ પરેડને ઐતિહાસિક બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ બની છે. પરેડમાં CRPF, BSF, CISF, ITBP અને SSB ઉપરાંત આસામ રાઇફલ્સ, NSG તેમજ આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રેસર રહેતા NDRFના જવાનો પોતાના અદમ્ય સાહસ અને શિસ્તનો પરચો આપશે. આ તમામ દળોના જવાનોના શિસ્તબદ્ધ કદમતાલથી હાલ એકતાનગરનું પરેડ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું છે.

‘વિવિધતામાં એકતા’ના સૂરને સાર્થક કરતા આ રાષ્ટ્રીય પર્વમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલી રાજ્ય પોલીસની ટુકડીઓ પણ ઉત્સાહભેર જોડાઈ છે. જેમાં આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોની પોલીસ ટુકડીઓ ખભેખભા મિલાવીને માર્ચપાસ્ટની પ્રેક્ટિસ કરી રહી છે, જે સમગ્ર રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધતું એક ગૌરવશાળી દ્રશ્ય સર્જી રહ્યું છે.

આ પરેડમાં ગાર્ડ ઑફ ઑનર, ધ્વજવાહકો, NCC કેડેટ્સની શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ અને વિવિધ દળોના સૂરિલા બેન્ડની દેશભક્તિપૂર્ણ ધૂનો ઉપસ્થિત સૌ કોઈમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરશે. આ ઉપરાંત, જાંબાઝ મોટરસાઇકલ ટુકડીઓ અને BSFની ચુસ્ત ડોગ સ્ક્વોડ પરેડમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને, સમાજ અને યુવાધનને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવા માટે ‘Fight Against Drugs’ ની થીમ પર આધારિત નેશનલ મોટરસાઇકલ રેલી આ ઉજવણીને વધુ સાર્થક બનાવશે.
એકતાનગર ખાતે ચાલી રહેલા આ અંતિમ રિહર્સલ મારફતે પરેડની સમગ્ર વ્યવસ્થા, સમયબદ્ધતા, શિસ્ત અને પરસ્પર સંકલનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સરદાર સાહેબના ‘અખંડ ભારત’ના મહાન સંકલ્પને ઉજાગર કરતી આ પરેડ સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિનો નવો જુસ્સો ભરી દેશે










