વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દોલતપરા GIDC સ્થિત ગોડાઉનમાંથી ઝડપાયેલા બનાવટી ઘીના કૌભાંડમાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર કમલેશ જેન્તીલાલ સોઢાની કડક પૂછપરછમાં આ ભેળસેળયુક્ત ઘી વેણુ માર્કેટિંગના સંચાલક દિલીપ જેન્તી વણઝારાને વેચવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી.
આ ચોક્કસ કડી મળતાં જ SOGની ટીમે તાત્કાલિક ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત ચિત્રકૂટ સોસાયટી, નોબલ સ્કૂલ પાસે આવેલ પૂજા એપાર્ટમેન્ટની દુકાન નંબર ૮ (વેણુ માર્કેટિંગ) પર દરોડો પાડ્યો હતો. દુકાનમાં સઘન તપાસ હાથ ધરતાં જાણીતી બ્રાન્ડના નામે પેક કરાયેલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન સ્થળ પરથી નીચે મુજબની અલગ-અલગ બ્રાન્ડનું કુલ ૫૧.૬ લિટર શંકાસ્પદ ઘી (કુલ કિંમત રૂ. ૧૧,૮૪૦/-) મળી આવ્યું હતું:
* શ્રી કાઠીયાવાડી ગીર ગાય ઘી: ૧૨.૨ લિટર (કિંમત રૂ. ૩,૫૪૦/-)
* વ્રજ મટુકી શુદ્ધ ગાય ઘી: ૧૨.૪ લિટર (કિંમત રૂ. ૩,૫૦૦/-)
* કેશવ ઘી: ૨૭ લિટર (કિંમત રૂ. ૪,૮૦૦/-)
ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ તમામ શંકાસ્પદ બ્રાન્ડના ઘીના નમૂના મેળવીને પૃથક્કરણ અને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. બનાવટી ઘી શહેરમાં અન્ય કયા વેપારીઓ કે ડેરીઓમાં સપ્લાય કરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.











