ધ્રોલ નજીક હાડાટોડાની વાડીમાંથી દેશી દારૂ અને ૪૦૦ લિટર કાચો આથો મળ્યો: રૂ. ૧૩ હજારનો મુદ્દામાલ કબજે

જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૭, ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં આવેલી વાડી પાસે પોલીસે કાર્યવાહી કરીને દેશી દારૂ તથા દારૂ બનાવવા માટેનો કાચો આથો મળી કુલ રૂ. ૧૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં વાડીના માલિક તરીકે દર્શાવાયેલા બ્રિજરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉંમર ૩૯) સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તા. ૨૬ ઑક્ટોબરના રાત્રે હાડાટોડા ગામની સીમમાં આરોપીની વાડીના શેઢા પાસેથી પ્લાસ્ટિકના કેનમાં આશરે ૧૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૩ હજાર દર્શાવાઈ છે. આ ઉપરાંત, બાજુમાંથી ૨૦૦ લિટરની ક્ષમતાનાં બે પ્લાસ્ટિકનાં બેરલમાં ભરેલો કુલ ૪૦૦ લિટર કાચો આથો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૧૦ હજાર ગણવામાં આવી છે.
પોલીસે કુલ રૂ. ૧૩ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન કલમ ૬૫(એ)(એ) તથા એફ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણિયા તપાસ ચલાવી રહ્યા છે.









