ગરવા ગિરનારની ગોદમાં યોજાતી ગિરનારી લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓની સુખાકારી, સુવિધાઓ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને સાધુ-સંતો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સેવાકીય સંસ્થાઓના સંચાલકો તથા ઉતારા મંડળના સંચાલકો સાથે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત વર્ષે વરસાદને ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન શક્ય બન્યું ન હતું, ત્યારે આ વર્ષે તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૬ની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. આજ રોજ સાધુ-સંતો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મીડિયા મિત્રોની હાજરીમાં પરિક્રમા સંદર્ભે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.ગિરનારની લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓની સુખાકારી અને સુવિધા માટે અમે કટિબદ્ધ છીએતેમ જણાવતાં કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીએ ઉમેર્યું હતું કે, ગિરનાર પરિક્રમામાં યાત્રાળુઓ માટે ખાસ કરીને પીવાના પાણીની સુવિધા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. ઉતારા મંડળવાળા પણ પૂરતો પાણીનો સંગ્રહ કરે. તેમજ કેટલાક પડકારો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ઓછા વરસાદના કારણે પાણીના પ્રશ્નો રહેશે, પરંતુ તેને પહોંચી વળવા માટે અમારી ટીમ પૂર્ણ રીતે કટિબદ્ધ છે. યાત્રિકોને પીવાના પાણીની મુશ્કેલી ના પડે એ એવો અમારો અભિગમ છે. ઉપરાંત, જંગલમાં આગની ઘટનાઓ ન બને તે માટે પણ આગોતરું આયોજન કરાયું છે. બેઠકમાં હાજર સંતો અને અગ્રણીઓને અપીલ કરતા તેમણે કહ્યું કે, આપનો પણ સહકાર મળે અને શક્ય હોય ત્યાં સુધી નાના બાળકો તથા હેલ્થના ઇસ્યુ હોય એવા સીનિયર સિટિઝન આ યાત્રામાં આવવાનું ટાળે. તેમજ યાત્રાળુઓએ પરિક્રમા રૂટ સિવાયના જંગલ વિસ્તારમાં જવું જોઈએ નહીં.૩૬ કિમીની ગિરનારી લીલી પરિક્રમામાં વન વિભાગ દ્વારા રસ્તા રિપેરિંગ, પાણીના પોઈન્ટ, વાયરલેસ સેટ, મોબાઈલ નેટવર્ક, રૂટ માર્કિંગ અને રેસ્ક્યુ ટીમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકમુક્ત પરિક્રમાને ધ્યાને રાખીને વિશેષ ટીમ તૈનાત રહેશે તેમજ ઇકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવશે. વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર પાણીના બોરનો સર્વે કરવામાં આવ્યો છે અને ૧૦ થી ૧૨ નવા બોર બનાવવામાં આવશે. પરિક્રમાના જે પડાવો છે ખાસ કરીને બોર દેવી ,માળવેલા જીણાબાવાની મઢી સહિતના વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વધારાના બોર પણ કરવામાં આવશે. પરિક્રમામાં આવતા યાત્રાળુઓના આરોગ્ય માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રૂટ પર કામચલાઉ દવાખાના શરૂ કરવામાં આવશે, એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે તેમજ મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફની ટીમો ખડેપગે રહેશે. આ ઉપરાંત, SDRF ની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. દવાઓ સહિત મેડિકલ કિટનો પર્યાપ્ત જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં પાણી, સફાઈ અને લાઈટ વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવશે. રાઉન્ડ ધ ક્લોક (૨૪ કલાક) સફાઈ હાથ ધરવામાં આવશે. યાત્રીઓ માટે માહિતી કેન્દ્ર (ઈન્ફોર્મેશન સેન્ટર) શરૂ કરાશે. શહેરથી ભવનાથ તરફ જતા માર્ગનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, જે એક સપ્તાહમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત પાર્કિંગની સુવિધા, આરોગ્ય સેવાઓ અને એક આઈસીયુ (ICU) દવાખાનું પણ શરૂ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવશે. પાર્કિંગ, સીસીટીવી કેમેરા વગેરેની વ્યવસ્થા ઉભી કરાશે. અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ માટે વાહન પાસ આપવામાં આવશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે. શ્રી મહેશગીરી બાપુએ પરિક્રમાના સુચારુ આયોજન બદલ તેમજ અધિકારીઓએ બધાને સાંભળ્યા અને સૂચનો ધ્યાનમાં લીધા તે બદલ વહીવટી તંત્ર અને અધિકારીઓનો આભાર માન્યો હતો. ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયાએ પણ જણાવ્યું હતું કે, પરિક્રમામાં આવતા યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનું સંચાલન અધિક કલેક્ટર શ્રી બી.એસ.બારડે કર્યું હતું. તેઓએ પણ સંતો મહંતો પદાધિકારીઓ અને સંસ્થાઓના સૂચનો મુજબ આયોજન કરવામાં આવી રહ્યું છે અને સૌના સહયોગથી યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તેવી અમારી અગ્રતા છે તેમ પણ જણાવ્યું હતું. ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંતસિંહ રાઠોર, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી દેવાભાઈ માલમ, મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયા, શ્રી મહેશગીરી બાપુ, શ્રી મહાદેવગીરી બાપુ, શ્રી જગજીવનદાસજી, મહાનગરપાલિકાના કમિશનરશ્રી આઈ.આર. વાળા, જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી. એસ. બારડ, ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરિયા, નિર્ભયભાઈ પુરોહિત, યાત્રા વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર, ડેપ્યુટી મેયરશ્રી આકાશ કટારા સહિતના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










