સી.એન.જી. રિક્ષામાં ચોરખાનાં બનાવી દેશી દારૂની હેરાફેરી: બે શખ્સો રૂ. ૧.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસે વોચ ગોઠવી રાજકોટના બે શખ્સોને દબોચ્યા; રિક્ષાની પાછળની સીટના પગ પાસે અને ડેકીમાં બનાવેલાં ચોરખાનાંમાંથી ૧૫૫ લિટર દેશી દારૂ મળ્યો
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૮: જામનગર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે કાલાવડ ગ્રામ્ય પોલીસે સી.એન.જી. રિક્ષામાં વિશેષ ચોરખાનાં બનાવી દેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રિક્ષામાંથી ૧૫૫ લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ. ૩૧,૦૦૦ થાય છે, તેમજ રૂ. એક લાખની કિંમતની રિક્ષા સહિત કુલ રૂ. ૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે નીકાવા ગામની પોલીસ ચોકી સામે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન રાજકોટ તરફથી આવતી લીલા-પીળા રંગની સી.એન.જી. રિક્ષા નંબર જીજે-૦૩-બીએક્સ-૪૦૩૪ને અટકાવી તપાસ કરવામાં આવતાં રિક્ષાની પાછળની સીટના પગ રાખવાના ભાગે તેમજ ડેકીમાં વિશેષ ચોરખાનાં બનાવી તેમાં દેશી દારૂ સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન કુલ ૧૫૫ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો અને રિક્ષા સહિત કુલ રૂ. ૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકરણમાં પોલીસે રાજકોટના ચુનારાવાડ, શિવાજીનગર વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય રિક્ષાચાલક રોહિતભાઈ નરશીભાઈ માત્રાણિયા અને રાજકોટના મવડી પ્લોટ, ઈશ્વરનગર વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય હિરેનભાઈ કમલેશભાઈ ગુપ્તાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










