વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓએ પાયાની સુવિધાઓ અને શૈક્ષણિક સ્ટાફની અછતના પ્રશ્નો ઉઠાવ્યા છે. કોલેજના મેદાનમાં બાવળની ઝાડીઓ વધી જતાં મેદાન જંગલ જેવું બની ગયું હોવાની રજૂઆત સાથે તાત્કાલિક સફાઈ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોલેજમાં 7થી 8 પ્રોફેસરોની ઘટ હોવાનો મુદ્દો ઉઠાવી ખાલી જગ્યાઓ પર ભરતી કરવા તેમજ વિદ્યાર્થીઓની અવરજવર માટે બસ સેવા શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.
વિદ્યાર્થીની રજૂઆત મુજબ, કોલેજના મેદાનમાં બાવળની ઝાડીઓ એટલી વધી ગઈ છે કે મેદાન મેદાન જેવું દેખાતું નથી અને જંગલ જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે મેદાનનો યોગ્ય ઉપયોગ થઈ શકતો ન હોવાની રજૂઆત સાથે તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરાવી બાવળની ઝાડીઓ દૂર કરવાની માગ કરવામાં આવી છે.
બીજી તરફ, કોલેજમાં 7થી 8 પ્રોફેસરોની ઘટ હોવાનો પ્રશ્ન પણ ગંભીર ગણાવવામાં આવ્યો છે. પૂરતા પ્રોફેસરો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કોલેજ સુધી પહોંચવા માટેની મુશ્કેલી પણ વિદ્યાર્થીઓએ રજૂ કરી છે. થરાદ કોલેજ ચાર રસ્તાથી કોલેજ આશરે દોઢ કિલોમીટર દૂર આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ચાલીને જવું પડે છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓને પણ આ અંતર પગપાળા કાપવું પડતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સમસ્યાના ઉકેલ માટે થરાદ કોલેજ ચાર રસ્તાથી કોલેજ સુધી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ કોલેજના મેદાનની સફાઈ, પ્રોફેસરોની ઘટ દૂર કરવા ભરતી અને બસ સેવા શરૂ કરવાની છે. હવે સંબંધિત તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ક્યારે અને કેવાં પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે.











