વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
*
આયુર્વેદ અને હોમિયોપેથીક સારવાર સહિત વિવિધ આરોગ્ય સેવાઓનો ૨૨૮ લાભાર્થીઓએ લીધો લાભ*
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગરની પ્રેરણા તથા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકાના લાછકડી-બાયાર ખાતે આયુષ શાખા, નવસારી દ્વારા ભવ્ય આયુષ મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાછકડી બાયાર સંસ્થાના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથીક પદ્ધતિ દ્વારા નિદાન અને સારવાર સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૨૨૮ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભગવાન ધન્વંતરીની સ્તુતિ સાથે કરવામાં આવ્યો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. કાજલબેન મઢીકરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળા કેમ્પના ઉદ્દેશ્ય તેમજ આયુર્વેદ શાખાની કામગીરી અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી કોશિકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી હિંમતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી અજયભાઈ ગાવિત, વાંસદા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી પ્રશાંતભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી નિકેતભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી બિપિનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી હર્ષિલાબેન દેશમુખ, સરપંચશ્રી ગનાજીભાઈ પટેલ, લાછકડી બાયાર સંસ્થાના ઓફિસરશ્રી મયરાજભાઈ રૂપાટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કોશિકભાઈ પટેલે આયુષ મેળા કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આયુર્વેદિક સારવાર પદ્ધતિ અને તેના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીએ નવસારી જિલ્લામાં આયુર્વેદ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો આપી હતી. તેમણે આયુર્વેદના મહત્વ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવાથી લાંબા સમય સુધી નિરોગી જીવન જીવવામાં મળી શકતા લાભો અંગે પણ સમજણ આપી હતી.
વૈદ્ય ચિરાગ ડોબરિયા, મેડિકલ ઓફિસર, વાંસદા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કેમ્પમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
આયુષ મેળા કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથીક પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. સાથે જ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન, જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જિરિયાટ્રિક્સ ઓપીડી તથા ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઉપરાંત આયુર્વેદ ઔષધયુક્ત હર્બલ ટીનું વિતરણ તથા આયુષમાન આરોગ્ય મંદિરના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાસનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.






