ઈડર લાલોડામાં માટી ખનન મામલે રજૂઆત..

આશિષકુમાર પટેલે નિષ્પક્ષ તપાસની માંગ કરી, સરપંચ ભાવેશભાઈ પટેલે રોયલ્ટી ભરી નિયમ મુજબ કામગીરી થતી હોવાનું જણાવ્યું
ઈડર તાલુકાના લાલોડા ગામ તથા નજીકના લાલપુર (બ) વિસ્તારમાં માટી ખનનને લઈને રજૂઆત કરવામાં આવી છે. લાલોડા ગામના રહેવાસી આશિષભાઈ ડાહ્યાભાઈ પટેલ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ અને માપણી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં લાલોડા તથા આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં માટી ખનન થતું હોવાનો ઉલ્લેખ કરી ખનન માટેની મંજૂરી, રોયલ્ટી તથા સરકારના નિયમો મુજબ કામગીરી થઈ રહી છે કે કેમ તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ ગામના તળાવો, ચેકડેમ, ગૌચર અને ડુંગરોની તળેટી સહિતના વિસ્તારોની પણ યોગ્ય માપણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતકર્તા દ્વારા ખનનના કારણે ઓવરલોડ વાહનોની અવરજવર તથા ધૂળના કારણે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સમગ્ર મામલે ફોટોગ્રાફ્સ સહિતની વિગતો રજૂઆત સાથે આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
લાલોડા વિસ્તારમાં આવેલી ગ્રેનાઈટ માઈન્સમાંથી નીકળતા વેસ્ટ અંગે પણ રજૂઆતમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. માઈન્સ વેસ્ટ અંગે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરી હાલની સ્થિતિની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મુદ્દે ગામલોકો દ્વારા હાઈ પાવર કમિટીને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
સમગ્ર મામલે લાલોડા ગામના સરપંચ ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેરાલુ થી શામળાજી સુધી બની રહેલા માર્ગના કામમાં લાલોડા ગામના તળાવમાંથી માટી ખનન અને પુરાણની કામગીરી અંગે જે રજૂઆત કરવામાં આવી છે, તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોયલ્ટી ભરી સરકારના નિયમો મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.
સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ અજાણ્યા ઇસમ દ્વારા નિયમ વિરુદ્ધ ખનન કરવામાં આવ્યું હોવાનું જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અજાણ્યા ઇસમ દ્વારા ખનન કરવામાં આવ્યું હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં પણ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
શાળાની બાજુમાં આવેલી જમીન તથા ગામતળના દબાણ અંગે પણ સરપંચે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડાહ્યાભાઈ પશાભાઈ પટેલ દ્વારા ગામતળના દબાણ અંગે લાલોડા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે અને દબાણ અંગેની કાર્યવાહી હાલ ચાલુ છે. આગામી સમયમાં પોલીસ બંદોબસ્તની માંગણી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કરવામાં આવશે તેમ સરપંચ ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું.
લાલોડામાં માટી ખનન, માઈન્સ વેસ્ટ અને ગામતળના દબાણ અંગે થયેલી રજૂઆતો બાદ હવે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે.
જયંતિ પરમાર સાબરકાંઠા 






