મેયર અશોકભાઈ ધોરાજીયા અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૫૦ જેટલા સ્વદેશી સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના ઉપક્રમે આયોજિત સ્વદેશી મેળો–૨૦૨૬નો આશાનગર સ્થિત ડોમ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળા દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની સાથે સ્થાનિક વેપારીઓ, કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મેળામાં નવસારીના શહેરીજનો માટે વિવિધ સ્વદેશી ઉત્પાદનોના આશરે ૫૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં હસ્તકલા, ઘરવપરાશની વસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો સહિત વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ જેટલા ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓને વિવિધ ખાણીપીણીની વસ્તુઓનો સ્વાદ માણવાની તક મળશે.
ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, વિવિધ સમિતિઓના ચેરમેન, અધિકારીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા મંત્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોને મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્વદેશી સ્ટોલ અને ઉત્પાદનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક વેપારીઓ, સ્વસહાય જૂથોના પ્રતિનિધિઓ અને સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરતા વિક્રેતાઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે વિવિધ ઉત્પાદનોની માહિતી મેળવી વેચાણકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સ્થાનિક ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાની અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાની દિશામાં આવા મેળાઓની મહત્તા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓની ખરીદીથી કારીગરો અને નાના વેપારીઓની આવકમાં વધારો થવાની સાથે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. નાગરિકો સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે તો સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળી શકે છે.
મેળાના સુચારુ આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ જરૂરી વ્યવસ્થાઓ સંભાળી હતી.
સ્વદેશી મેળો–૨૦૨૬ સ્થાનિક વેપાર, સ્વદેશી ઉત્પાદનો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની સાથે નગરજનોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનું માધ્યમ બનશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને પરિવાર સાથે મેળાની મુલાકાત લેવા અને સ્થાનિક વેપારીઓ પાસેથી સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.
‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનો — આ સંદેશ સાથે નવસારીમાં સ્વદેશી મેળો–૨૦૨૬નો પ્રારંભ થયો છે.










