રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ
ધંધુકા તાલુકાના રોજકા ગામે ગ્રામ પંચાયત ભવન ખાતે આકાશવાણી અમદાવાદ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) અને કેન્દ્રીય સંચાર બ્યૂરો (CBC)ના સંયુક્ત ઉપક્રમે સતર્કતા જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવવાનો, સરકારી યોજનાઓમાં પારદર્શિતાનું મહત્ત્વ સમજાવવાનો અને નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ પ્રસંગે રોજકા ગામના ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, PIB અને CBCના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતાં આકાશવાણી અમદાવાદના કેન્દ્ર નિયામક એન. એલ. ચૌહાણે જણાવ્યું હતું કે દર વર્ષે 26 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે નાગરિકોને જાગૃત કરવાનો અને વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા તથા જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર માત્ર નાણાકીય ગેરરીતિ નથી, પરંતુ તે જરૂરિયાતમંદ લોકોના અધિકારો અને વિકાસની તકોને પણ અસર કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ અને વિકાસકાર્યોમાં પારદર્શિતા જળવાય તો ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ થઈ શકે છે. આકાશવાણીની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું હતું કે આકાશવાણી માત્ર પ્રસારણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકો સુધી પહોંચીને સરકારી યોજનાઓ, કાયદાઓ અને જનહિતની માહિતીને સરળ ભાષામાં રજૂ કરવાનું કાર્ય પણ કરે છે.
કાર્યક્રમની શરૂઆતમાં આકાશવાણી રાજકોટના સહાયક નિર્દેશક (કાર્યક્રમ) હિતેશ માવાણીએ રેડિયો પ્રસારણના ઇતિહાસ અને આકાશવાણીની વિકાસયાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે રેડિયો સંચારના વિકાસમાં માર્કોનીના પ્રયોગોના યોગદાનનો ઉલ્લેખ કરતાં ભારતમાં પ્રસારણની શરૂઆત અને તેના વિસ્તરણ વિશે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 8 જૂન, 1936ના રોજ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઑલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું, જે ભારતમાં આકાશવાણી તરીકે ઓળખાય છે.
તેમણે ગુજરાતમાં રેડિયો પ્રસારણના વિકાસ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડોદરામાં ગાયકવાડ શાસનકાળ દરમિયાન 1939માં પ્રસારણની શરૂઆત થઈ હતી, જ્યારે અમદાવાદ આકાશવાણી કેન્દ્રની સ્થાપના 16 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. અમદાવાદ કેન્દ્રે સમયાંતરે શ્રોતાઓને માહિતી, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે આકાશવાણીના વ્યાપ અને ગ્રામ્ય વિસ્તારો સુધી માહિતી પહોંચાડવામાં તેની ઉપયોગિતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
ત્યારબાદ હરકેશ મીણાએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો અને કેન્દ્રીય સંચાર બ્યૂરોની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો સરકાર અને મીડિયા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. પ્રેસ રિલીઝ, પત્રકાર પરિષદો, મુલાકાતો અને ડિજિટલ માધ્યમો દ્વારા સરકારી યોજનાઓ, નીતિઓ અને વિવિધ જનહિતલક્ષી પહેલોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતીની ચકાસણી કરીને તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
તેમણે કેન્દ્રીય સંચાર બ્યૂરોની કામગીરી વિશે સમજાવતાં જણાવ્યું હતું કે આ સંસ્થા પ્રિન્ટ મીડિયા, ડિજિટલ માધ્યમો, ઑડિયો-વિઝ્યુઅલ સામગ્રી, પ્રદર્શનો અને લોકમાધ્યમો દ્વારા સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરે છે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવીને નાગરિકોની ભાગીદારી વધારવામાં CBC મહત્ત્વનું યોગદાન આપે છે.
કાર્યક્રમ દરમિયાન મોહમ્મદભાઈએ સહકારી સેવા મંડળીની પ્રગતિની સરાહના કરી હતી. સાથે જ ગામમાં શિક્ષણનો પ્રસાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વર્ગસ્થ જે. જે. શુક્લને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ અને સામાજિક વિકાસ માટે સ્થાનિક સ્તરે કરવામાં આવતા પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ સમાજમાં પારદર્શિતા જાળવવા, ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવવા અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે ભ્રષ્ટાચારમુક્ત વહીવટ, જનજાગૃતિ અને નાગરિક ભાગીદારીના મહત્ત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.











