1 નવેમ્બરથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય માણસના રોજિંદા જીવન પર પડશે.

નવો મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવેમ્બર મહિનો આ વર્ષે તહેવારોનો મહિનો પણ છે. 1 નવેમ્બરથી એવા કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના રોજિંદા જીવન પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈને GST અને આવકવેરાના નિયમોમાં આ વખતે સુધારા થઈ રહ્યા છે, જે રસોડાથી લઈને તમારા માસિક બજેટ સુધી અસર પહોંચાડી શકે છે. આવો જાણીએ તે 5 મહત્વપૂર્ણ ફેરફારો વિશે જે 1 નવેમ્બર 2026થી અમલમાં આવી રહ્યા છે.

1. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારની શક્યતા

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે નિયમો અને દરોની સમીક્ષા કરે છે. તેથી 1 નવેમ્બરે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો જોવા મળી શકે છે. આ પહેલાં 1 ઓક્ટોબરે 19 કિલો કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 62.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જોકે 14 કિલોવાળા ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. આ ઉપરાંત એરક્રાફ્ટમાં વપરાતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવો પણ બદલાઈ શકે છે, જેની સીધી અસર વિમાન ટિકિટના દર પર પડી શકે છે.

2. વેપારીઓ માટે GST નિયમો વધુ સરળ બનશે

સરકાર ટેક્સ રિફંડની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા માટે 1 નવેમ્બરથી GSTમાં મહત્વના ફેરફારો લાવી રહી છે. આ અંતર્ગત કેટલાક કિસ્સાઓમાં રિફંડ માટે ઓટોમેટિક મંજૂરી મળશે. સાથે જ વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ માટે નવી સરળ રિટર્ન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે, જેથી કારોબારીઓને મોટી રાહત મળશે.

3. ફોન પર દેખાશે કોલરનું સાચું નામ

મોબાઇલ યુઝર્સ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2026 થી ટેલિકોમ કંપનીઓએ કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) વ્યવસ્થા લાગુ કરવાનો આદેશ અપાયો છે. હવે કોઈ પણ અજાણ્યા નંબર પરથી ફોન આવશે ત્યારે ફોન સ્ક્રીન પર કોલરનું સત્તાવાર નામ સીધું દેખાશે. આ નિયમ લાગુ થવાથી યુઝર્સે અજાણ્યા નંબર ઓળખવા માટે કોઈ થર્ડ પાર્ટી એપ પર નિર્ભર રહેવું નહીં પડે.

4. પેન્શનધારકો માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત

કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનધારકોએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં વાર્ષિક ‘લાઈફ સર્ટિફિકેટ’ જમા કરાવવું જરૂરી બનશે. જો આ પ્રમાણપત્ર સમયસર જમા નહીં થાય તો ડિસેમ્બરથી પેન્શન અટકી શકે છે. પેન્શનર્સ બેંક શાખામાં જઈને રૂબરૂ, જીવન પ્રમાણપત્ર પોર્ટલ દ્વારા ડિજિટલી અથવા પોસ્ટ વિભાગની ડોરસ્ટેપ સુવિધાનો લાભ લઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ માટે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે, જ્યારે અન્ય પેન્શનર્સ માટે આ પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

5. ઓડિટ વાળા ટેક્સપેયર્સ માટે ITRની છેલ્લી તારીખ લંબાવાઈ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (CBDT) નાણાકીય વર્ષ 2025-26 માટે જે કરદાતાઓએ પોતાના ખાતાઓનું ઓડિટ કરાવવું પડે છે, તેમના માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. પહેલાં આ તારીખ 31 ઓક્ટોબર હતી, જેને વધારીને હવે 21 નવેમ્બર 2026 કરી દેવામાં આવી છે. બિઝનેસ, પ્રોફેશનલ સેવાઓ, કંપનીઓ કે LLPs જેમના માટે ટેક્સ ઓડિટ ફરજિયાત છે, તેમણે પેનલ્ટી કે નોટિસથી બચવા માટે 21 નવેમ્બર સુધીમાં ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા તમામ વેપાર માટે ઓડિટ જરૂરી ગણાય છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો