વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં યોજાનારી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમા આગામી ૨૦ નવેમ્બર ૨૦૨૬ની મધ્યરાત્રિથી વિધિવત રીતે શરૂ થશે. ગત વર્ષે વરસાદના કારણે પરિક્રમા મોકૂફ રહી હોવાથી આ વર્ષે ભાવિકોના ભારે ધસારાને ધ્યાને રાખી યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા અંગે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, ઓછા વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા તંત્ર કટિબદ્ધ છે. વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર સર્વે પૂર્ણ કરી ૧૦ થી ૧૨ નવા બોરવેલ બનાવવામાં આવી રહ્યા છે. બોરદેવી, માળવેલા તેમજ જીણાબાવાની મઢી જેવા મુખ્ય પડાવો પર પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાશે. જંગલમાં આગ ન લાગે તે માટે આગોતરી તકેદારી રાખવામાં આવી છે. તેમણે નાના બાળકો અને આરોગ્ય સંબંધિત સમસ્યા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને પરિક્રમા ટાળવા તેમજ તમામ યાત્રાળુઓને નિયત રૂટની બહાર ન જવા અનુરોધ કર્યો હતો.
૩૬ કિલોમીટરના સમગ્ર રૂટ પર વન વિભાગ દ્વારા રસ્તા રિપેરિંગ, વાયરલેસ કનેક્ટિવિટી, મોબાઈલ નેટવર્ક, રૂટ માર્કિંગ અને રેસ્ક્યુ ટીમ સજ્જ કરવામાં આવી રહી છે. પર્યાવરણની જાળવણી માટે પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત રાખવા વિશેષ ટીમો તૈનાત રહેશે અને યાત્રાળુઓને ઇકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરાશે.
આરોગ્ય સુવિધા અંતર્ગત કામચલાઉ દવાખાના, એમ્બ્યુલન્સ, પૂરતો દવાનો જથ્થો તેમજ SDRFની ટીમો ખડેપગે રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં રાઉન્ડ ધ ક્લોક સફાઈ, માહિતી કેન્દ્ર, લાઈટ-પાણીની સુવિધા અને એક ICU દવાખાનું પણ શરૂ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી સર્વેલન્સ, ટ્રાફિક મેનેજમેન્ટ અને અન્નક્ષેત્રો-ઉતારા મંડળો માટે વાહન પાસની વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં ડીડીઓ જયંતસિંહ રાઠોડ, ધારાસભ્ય સંજય કોરડિયા, ધારાસભ્ય દેવા માલમ, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, સાધુ-સંતો પૈકી મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, જગજીવનદાસજી સહિત ઉતારા મંડળના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










