વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઝાદ ચોક સ્થિત એ.જી. સ્કૂલ મેદાનમાં આયોજિત ‘સ્વદેશી મેળો-૨૦૨૬’ સ્થાનિક સખી મંડળો અને મહિલા કારીગરો માટે રોજગારીનું સશક્ત પ્લેટફોર્મ સાબિત થયો છે. ૨૨ ઓક્ટોબરથી શરૂ થયેલો આ મેળો આગામી ૨ નવેમ્બર સુધી ચાલશે, જેમાં સ્થાનિક બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવી સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક પૂરી પાડવામાં આવી છે.
યુસીડી (UCD) શાખા અંતર્ગત ચાલતા ‘મહાકાળી સ્વસહાય જૂથ’ના પ્રમુખ સીમાબેન વિનોદભાઈ મકવાણાએ જણાવ્યું કે, હાથબનાવટની વસ્તુઓ બનાવવાનું હુનર હોવા છતાં યોગ્ય બજાર મળતું નહોતું. સ્વદેશી મેળાના માધ્યમથી શરૂઆતના માત્ર ૪ દિવસમાં જ રૂ. ૨૦ થી ૨૫ હજારનો નોંધપાત્ર વેપાર થયો છે. તેમણે દિવાળી પર્વે સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરી સ્વદેશીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.
આ ઉપરાંત ‘શ્રી વીરબાઈ માં સ્વસહાય જૂથ’ના પૂજા ગોસ્વામી સહિત ૧૦ મહિલાઓએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળેલી લોન અને માર્ગદર્શન થકી ગૃહઉદ્યોગને મોટા પાયે વિસ્તારી આર્થિક આત્મનિર્ભરતા મેળવી છે. તેવી જ રીતે ‘વૃંદાવન ગીર સ્વસહાય જૂથ’ના ભાવનાબેન ભાલાણી દ્વારા છેલ્લાં દસ વર્ષથી ગાયના પંચગવ્ય અને ગોબરમાંથી ૫૦ જેટલી વિવિધ ઇકો-ફ્રેન્ડલી અને આયુર્વેદિક પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી રહી છે, જેનું મેળામાં મોટું વેચાણ થઈ રહ્યું છે. પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લઈ નવો વ્યવસાય શરૂ કરનારા ભાવનાબેન ધડુકે પણ સ્વદેશી મેળાને પોતાની આજીવિકા મજબૂત બનાવવાનું મહત્વનું સાધન ગણાવ્યું છે.
જૂનાગઢ મહાનગરપાલિકા અને સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્લેટફોર્મ થકી સ્થાનિક કળાને યોગ્ય કિંમત મળતાં મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.










