વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હરિયાણાના હિસાર સ્થિત ગુરુ જંભેશ્વર વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિરમાં (NIC) માણાવદરની શ્રી જે. એમ. પાનેરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની NSS સ્વયંસેવિકા મારૂ એકતાએ પોતાની કલાથી સમગ્ર દેશના યુવાનોને પ્રભાવિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
“અનેકતામાં એકતા”ના સંદેશ સાથે આયોજિત આ શિબિરમાં દેશના ૧૪ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે ૨૦૦ સ્વયંસેવકો જોડાયા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના ૮ સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઑફિસર મોહનભાઈ બાલસ આ શિબિરમાં સામેલ થયા હતા.
શિબિર દરમિયાન માણાવદરની સ્વયંસેવિકા મારૂ એકતાએ સતત પાંચ દિવસ સુધી વિવિધ રાજ્યોના યુવાનોને ગુજરાતના ગરબાના તાલે ઝૂમતા કર્યા હતા. ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શન અને વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગિતા બદલ BKNMU ની ટીમને ‘બેસ્ટ ટીમ એવોર્ડ’ તેમજ ગરબા માટે ખાસ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેને યુનિવર્સિટીના NSS કો-ઓર્ડિનેટર ડૉ. પરાગ દેવાણીએ બિરદાવ્યા હતા. શિબિરમાં સ્વચ્છતા, પોસ્ટર સ્પર્ધા, યોગાસન અને નાટક જેવી પ્રવૃત્તિઓ થકી વિવિધતામાં એકતાનો મજબૂત સંદેશ અપાયો હતો.










